રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ (Quad) દેશોની મહત્વની બેઠકમાં હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને લઈને ત્રણ ખૂબ જ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં લેવાયેલા નિર્ણયો સીધા ચીનના વધતા જતા પ્રભાવ અને દબદબાને પડકારશે તેવું માનવામાં આવી રહ્યું છે. બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ હાજર રહ્યા હતા. અમેરિકી વિદેશ મંત્રીએ બેઠક બાદ આ ત્રણેય મોટા નિર્ણયોની જાહેરાત કરી હતી.
1. દરિયાઈ ક્ષેત્રે દેખરેખ તંત્ર મજબૂત થશે
ક્વાડ દેશોનો પહેલો મોટો નિર્ણય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ દેખરેખ મજબૂત કરવાનો છે. આ અંતર્ગત ચારેય દેશો પોતાની નૌકાદળ અને સુરક્ષા એજન્સીઓની સર્વેલન્સ ક્ષમતાને એકબીજા સાથે જોડશે. સમુદ્રમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓની 'રીયલ ટાઇમ' (ત્વરિત) માહિતી પરસ્પર શેર કરવામાં આવશે. દક્ષિણ ચીન સાગરમાં ચીન જે રીતે પોતાની સૈન્ય તાકાત અને દાવો વધારી રહ્યું છે, તેની સામે આ ક્વાડ સર્વેલન્સ તંત્ર ચીનની જાસૂસી અને ઘૂસણખોરી પર કડક નજર રાખશે.
2. ફિજીમાં ક્વાડનો પહેલો સંયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
બીજા મોટા નિર્ણય હેઠળ ક્વાડ દેશો પેસિફિક આઇલેન્ડના મહત્વના દેશ 'ફિજી' સાથે મળીને ત્યાંના પોર્ટ (બંદર) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ અને આધુનિક કરશે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ ફિજીનું સ્થાન ખૂબ મહત્વનું છે કારણ કે તે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને એશિયાના દરિયાઈ માર્ગોની બરાબર વચ્ચે આવેલું છે. આ પ્રોજેક્ટ ક્વાડનો પ્રથમ સંયુક્ત પ્રાદેશિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હશે, જે નાના ટાપુ દેશોમાં ચીનની આર્થિક પકડ ઢીલી કરવામાં મદદ કરશે.
3. ઇન્ડો-પેસિફિકમાં એનર્જી સિક્યોરિટી અને ફ્યુઅલ સપ્લાય
ત્રીજો નિર્ણય આ ક્ષેત્રમાં ઇંધણ અને ઉર્જા સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. કોઈપણ વૈશ્વિક કટોકટીના સમયે ઉર્જાની અછત ન સર્જાય તે માટે અમેરિકા આ વર્ષે 'ક્વાડ ફ્યુઅલ સિક્યોરિટી ફોરમ'ની યજમાની પણ કરશે. બેઠકમાં ખાતર અને મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals)ની સપ્લાય પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ચીન માટે ચિંતા કેમ વધી?
ક્વાડ દેશોના આ પગલાં ચીન માટે મોટો સંદેશ છે. જ્યારે ચીન આ ગઠબંધનને પોતાનો પ્રભાવ રોકવાનો પ્રયાસ ગણાવે છે, ત્યારે ક્વાડ દેશોનું કહેવું છે કે વૈશ્વિક વેપાર માટે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત હોવા જરૂરી છે. બેઠકમાં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ના સંકટને કારણે ખોરવાયેલા ઉર્જા પુરવઠા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થશે તો સમગ્ર ઇન્ડો-પેસિફિકની ઉર્જા સુરક્ષા જોખમાશે, તેથી જ ક્વાડ દેશોએ હવે એક થઈને આ વૈકલ્પિક સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.
આ પણ વાંચો:Sports News: રમતગમત સંઘોની મનમાની પર લાગશે બ્રેક,કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો