કોઈપણ મોટી અર્થવ્યવસ્થાને ગતિશીલ રાખવા માટે દેવું લેવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જનકલ્યાણની યોજનાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે મોટા પાયે ભંડોળની જરૂર પડે છે. કેન્દ્રીય બજેટ 2026-27 ના અંદાજ મુજબ, ભારતનું કુલ બાકી દેવું આશરે ₹197.18 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ આંકડો મોટો લાગી શકે છે, પરંતુ ભારતની દેવા લેવાની રીત તેને અન્ય દેશો કરતા અલગ અને સુરક્ષિત પાડે છે.\
ભારતનું દેવું: આંતરિક સ્ત્રોતો પર વધુ નિર્ભરતા
ભારતની અર્થવ્યવસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું મોટાભાગનું દેવું 'સ્થાનિક' છે. કુલ દેવાના આશરે 97% હિસ્સો ભારતીય બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સરકારી બોન્ડ્સ દ્વારા આંતરિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. માત્ર 3% દેવું (અંદાજે ₹6.74 લાખ કરોડ) બાહ્ય દેશો કે સંસ્થાઓ પાસેથી લેવામાં આવે છે. આ રણનીતિને કારણે ભારત વૈશ્વિક નાણાકીય આંચકાઓ અથવા ચલણના વધઘટ સામે ઓછું સંવેદનશીલ છે. ભારતનો દેવા-થી-જીડીપી (Debt-to-GDP) ગુણોત્તર લગભગ 55.6% છે, જે આર્થિક દૃષ્ટિએ સ્થિર માનવામાં આવે છે.
વિશ્વ બેંક અને જાપાનની ભૂમિકા
જ્યારે બાહ્ય દેવાની વાત આવે છે, ત્યારે ભારત કોઈ એક જ સ્રોત પર નિર્ભર રહેવાને બદલે વૈશ્વિક સંસ્થાઓ અને મિત્ર દેશોનો સહારો લે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંક ભારતનો સૌથી મોટો ધિરાણકર્તા છે, જેની બાકી લોન અંદાજે $39.3 બિલિયન છે. આ રકમનો ઉપયોગ દેશમાં મોટા પાયે વિકાસ પ્રોજેક્ટ્સ માટે થાય છે.
જાપાન: જો એક દેશ તરીકે જોઈએ તો, જાપાન ભારતને સૌથી વધુ લોન આપનાર દેશ છે. ભારતનું જાપાન પ્રત્યેનું દેવું $23 બિલિયન થી વધુ છે. જાપાન ડેવલપમેન્ટ એજન્સી (JICA) દ્વારા ખૂબ જ ઓછા વ્યાજ દરે આ લોન આપવામાં આવે છે, જે ભારતની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ફાળો આપે છે.
સંતુલિત આર્થિક વ્યવસ્થા
જાપાન અને વિશ્વ બેંક ઉપરાંત, ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને IMF પાસેથી પણ જરૂરિયાત મુજબ ઉધાર લે છે. આ ઉપરાંત, બિન-નિવાસી ભારતીયો (NRI) દ્વારા ભારતીય બેંકોમાં કરવામાં આવતી ડિપોઝિટ પણ દેશની બાહ્ય જવાબદારીઓનો ભાગ છે.
ડિસ્ક્લેમરઃ આ માહિતી મીડિયા આધારિત રિપોર્ટના આધારે આપવામાં આવી છે. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચોઃ Mango For Diabetes: શું ડાયાબિટીસમાં કેરી ખાવી સુરક્ષિત છે? તો હવે ડરવાની જરૂર નથી, બસ ખાવાની પદ્ધતિ બદલો!