15 ઓગસ્ટ ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે કારણ કે 1947માં આ દિવસે દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ગર્વથી ફરકાવવામાં આવ્યો હતો. પરંતુ આ તારીખ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ઇતિહાસમાં પણ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ માટે જાણીતી છે. 

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનું શરણાગતિ

15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના સમ્રાટ હિરોહિતોએ રેડિયો દ્વારા દેશને સંબોધિત કરીને જાહેરાત કરી હતી કે જાપાન મિત્ર રાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી રહ્યું છે. આ જાહેરાત બીજા વિશ્વયુદ્ધના અંત તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની હતી. આ ઘટનાને 'જાપાન પર વિજય દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાનની શરણાગતિ સાથે માત્ર લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધના અંતનો માર્ગ મોકળો થયો નહોતો, પરંતુ વિશ્વમાં શાંતિના નવા યુગની શરૂઆત માટે પણ માર્ગ તૈયાર થયો હતો.

સાઉથ કોરિયાની સ્થાપના

15 ઓગસ્ટ 1948ના રોજ સાઉથ કોરિયાની સત્તાવાર રીતે કોરિયા પ્રજાસત્તાક તરીકે સ્થાપના થઈ હતી. 35 વર્ષના જાપાની શાસનમાંથી મુક્તિ મેળવ્યા બાદ સાઉથ કોરિયા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. 1945માં કોરિયાને જાપાની શાસનમાંથી મુક્તિ મળી હતી, પરંતુ 1948માં સાઉથ ભાગની અલગ રાષ્ટ્ર તરીકે સ્થાપના થઈ. આ દિવસ સાઉથ કોરિયામાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કોંગોની સ્વતંત્રતા

15 ઓગસ્ટ 1960ના રોજ કોંગોએ 80 વર્ષના ફ્રેન્ચ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી. આ દિવસ કોંગોમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોંગોની આઝાદી આફ્રિકન ખંડમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળનો મહત્વપૂર્ણ હિસ્સો હતી. આ ઘટનાએ આફ્રિકાના અન્ય દેશોમાં પણ સ્વતંત્રતા મેળવવાની ચળવળને પ્રેરણા આપી હતી.

બહેરીનની સ્વતંત્રતા

15 ઓગસ્ટ 1971ના રોજ બહેરીને યુનાઇટેડ કિંગડમથી પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. આ સાથે બહેરીને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાની નવી સફરની શરૂઆત કરી હતી. બહેરીન ખાડી વિસ્તારમાં આવેલો મહત્વપૂર્ણ દેશ છે અને તે તેલની શોધ તેમજ આર્થિક વિકાસ માટે પણ જાણીતો છે. તેની સ્વતંત્રતા દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે.

બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય શોક દિવસ

15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશના સ્થાપક નેતા શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના આઠ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ બાંગ્લાદેશના ઇતિહાસમાં એક અત્યંત દુઃખદ પ્રકરણ ઉમેર્યું હતું. આ દુર્ઘટનાની યાદમાં 15 ઓગસ્ટને બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના ઇતિહાસમાં એક એવી ઘટનાની યાદ અપાવે છે, જેણે બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસ પર ઊંડી અસર કરી હતી.

આ પણ વાંચો-Independence Day : ભારતમાં એક એવું શહેર જ્યાં 14 ઓગસ્ટની રાત્રે જ ફરકાવવામાં આવે છે તિરંગો!