દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંની એક, ભારતને ચલાવવા માટે દર વર્ષે લાખો કરોડ રૂપિયાની જરૂર પડે છે. રસ્તાઓ બનાવાના હોય, સેનાને આધુનિક બનાવવાની હોય કે કરોડો લોકોને મફત રાશન આપવાનું હોય- આ બધા માટે પૈસા ક્યાંથી આવે છે? અવારનવાર આપણે વાર્ષિક બજેટની વાત કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારત સરકાર એક દિવસમાં કેટલું કમાય છે?

બજેટ 2024-25 અને સરકારી આવકના અંદાજ

ભારત સરકારના કેન્દ્રીય બજેટ 2024-25 ના અંદાજ મુજબ, સરકારની કુલ મહેસૂલી આવક લગભગ 31,29,200 કરોડ રૂપિયા રહેવાની અપેક્ષા છે. જો આપણે આમાં ઉધાર લીધેલા નાણાં છોડી દઈએ અને માત્ર બિન-ઋણ પ્રાપ્તિની વાત કરીએ, તો આ આંકડો લગભગ 32,07,200 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ માતબર રકમને જ્યારે આપણે વર્ષના 365 દિવસોમાં વહેંચીએ છીએ, ત્યારે સરકારની દૈનિક સરેરાશ કમાણીનું એક રસપ્રદ ચિત્ર સામે આવે છે.

એક દિવસમાં સરકાર પાસે કેટલા પૈસા આવે છે?

ગણિતના હિસાબે જોઈએ તો કેન્દ્ર સરકાર દરરોજ લગભગ 878.68 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી (ઉધાર લીધા વગર) કરે છે. આ તે પૈસા છે જે સરકારને વિવિધ ટેક્સ અને અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે અને જે પરત કરવા પડતા નથી. આમાં રાજ્યોને આપવામાં આવતો હિસ્સો બાદ કર્યા પછી કેન્દ્ર પાસે બચતી ચોખ્ખી રકમનો સમાવેશ થાય છે.

કમાણીનું સૌથી મોટું સાધન: ટેક્સ

સરકારની દૈનિક કમાણીમાં સૌથી મોટો હિસ્સો ટેક્સનો હોય છે. બજેટ અંદાજ મુજબ, ચોખ્ખા ટેક્સ રેવન્યુ (Net Tax Revenue) તરીકે સરકારને દરરોજ આશરે 707.8 કરોડ રૂપિયા મળે છે. આમાં ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી (GST) જેવા પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે. દેશના કરોડો નાગરિકો અને કંપનીઓ જે ટેક્સ ચૂકવે છે, તે જ દરરોજ સવારે સરકારી તિજોરીને કરોડો રૂપિયાથી ભરી દે છે.

બિન-કર આવકનો હિસ્સો

માત્ર ટેક્સ જ નહીં, સરકાર પાસે કમાણીના અન્ય સ્ત્રોત પણ છે જેને 'બિન-કર મહેસૂલ' (Non-Tax Revenue) કહેવામાં આવે છે. આમાં સરકારી કંપનીઓ પાસેથી મળતું ડિવિડન્ડ, આરબીઆઈ (RBI) પાસેથી મળતું સરપ્લસ, વિવિધ સેવાઓ માટે લેવામાં આવતી ફી અને લોન પર મળતું વ્યાજ સામેલ છે. આ માધ્યમથી સરકારને દરરોજ લગભગ 149.5 કરોડ રૂપિયાની આવક થાય છે.

ખર્ચ અને કમાણી વચ્ચેનું સંતુલન

જોકે દરરોજ 878 કરોડ રૂપિયાની કમાણી સાંભળવામાં ખૂબ મોટી લાગે છે, પરંતુ સરકારના ખર્ચ તેનાથી ક્યાંય વધારે છે. પાયાની સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને સંરક્ષણ પાછળ થતા ખર્ચને પહોંચી વળવા માટે ઘણીવાર સરકારે બજારમાંથી ઉધાર લેવું પડે છે, જેને આપણે 'રાજકોષીય ખાધ' કહીએ છીએ. સરકારનો પ્રયાસ ટેક્સ ચોરી રોકીને અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપીને આ દૈનિક ચોખ્ખી કમાણી વધારવાનો હોય છે.

આ પણ વાંચો- World War 3 : જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો કયો દેશ કોના સાથે હશે? શું નવો વર્લ્ડ ઓર્ડર દેખાવા લાગ્યો છે?