દરેક યાત્રી માટે રેલ્વેના નિયમો અનુસાર, કોઈ પણ ક્લાસમાં મુસાફરી કરતાં પહેલા ચોક્કસ નિયમો સમજવા ખુબજ જરૂરી સાબિત થઈ જાય છે.
શ્રેણી મુજબ સામાનની મર્યાદા
ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા અને સલામતી માટે દરેક કોચની શ્રેણી મુજબ સામાનની મર્યાદા નક્કી કરી છે. રેલ્વેના નિયમો અનુસાર, જનરલ ક્લાસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 35 કિલો સુધીનો સામાન મફત લઈ જઈ શકે છે. સ્લીપર ક્લાસ અને થર્ડ એસી (3A) માટે આ મર્યાદા 40 કિલો રાખવામાં આવી છે. ઉચ્ચ શ્રેણીઓમાં સુવિધા વધુ હોવાથી, સેકન્ડ એસી (2A) માં 50 કિલો અને ફર્સ્ટ એસી (1A) માં મુસાફર દીઠ મહત્તમ 70 કિલો સામાન લઈ જવાની છૂટ આપવામાં આવે છે.
પરિવાર અને બાળકો માટે વજનની ગણતરી
ટ્રેનમાં સામાનની મર્યાદા ટિકિટ ધરાવતા મુસાફરોની સંખ્યા પર આધારિત હોય છે. જો તમે પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોવ, તો કુલ સામાનની ગણતરી પુખ્ત મુસાફરોની સંખ્યા મુજબ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો પાંચ સભ્યોનો પરિવાર થર્ડ એસીમાં મુસાફરી કરતો હોય અને તેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો હોય (જેમની હાફ ટિકિટ કે સીટ ન હોય), તો માત્ર ત્રણ પુખ્ત વ્યક્તિઓના આધારે 120 કિલો (40 કિલો x 3) સામાનની મર્યાદા ગણાશે. આથી વધારાનો સામાન લઈ જતા પહેલા મુસાફરોની સંખ્યા અને તેમની શ્રેણી ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.
વધારાના સામાન માટે દંડની જોગવાઈ
જો કોઈ મુસાફર નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન સાથે પકડાય છે, તો રેલ્વે દ્વારા દંડ વસૂલવામાં આવે છે. આ દંડની રકમ મુસાફરે કાપેલા અંતર (કિલોમીટર) અને વધારાના સામાનના વજન પર આધારિત હોય છે. રેલ્વેના આ કડક નિયમો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોચમાં વધુ પડતા સામાનને કારણે અન્ય સહ-મુસાફરોને ચઢવા-ઉતરવામાં કે બેસવામાં તકલીફ ન પડે અને ટ્રેનની અંદર અવરજવર માટે પૂરતી જગ્યા જળવાઈ રહે.
પાર્સલ બુકિંગ અને વૈકલ્પિક સુવિધા
જ્યારે મુસાફરો પાસે નક્કી કરેલી મર્યાદા કરતા ઘણો વધારે સામાન હોય, ત્યારે રેલ્વે 'પાર્સલ ઓફિસ'ની સુવિધા આપે છે. મુસાફરોએ મુસાફરી શરૂ કરતા પહેલા રેલ્વે સ્ટેશન પરના પાર્સલ વિભાગમાં જઈને સામાન બુક કરાવવો જોઈએ. બુક કરેલો સામાન ટ્રેનના પાછળના ભાગમાં આવેલા લગેજ વેન (બ્રેક વાન) માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. ગંતવ્ય સ્ટેશન પર પહોંચ્યા પછી, મુસાફર તેમની રસીદ બતાવીને પાર્સલ ઓફિસમાંથી પોતાનો સામાન મેળવી શકે છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે.
આ પણ વાંચો: દીકરીના ભવિષ્ય માટે વરદાન! સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળશે 69 લાખથી વધુનું ફંડ, જાણો રોકાણનું સંપૂર્ણ ગણિત