તમે ઘણીવાર ઘણા યુવાનો, વૃદ્ધો કે બાળકોને મંદિરોની બહાર કે ભીડવાળી જગ્યાએ ભીખ માગતા જોયા હશે. ક્યારેક મહિલાઓ ટ્રાફિક સિગ્નલ પર હાથમાં વાટકો લઈને અથવા ખોળામાં નાના બાળકો લઈને ભીખ માગતી જોવા મળે છે. દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે રોજીરોટી કમાવવા માટે રસ્તાઓ પર ભીખ માગે છે. ભારતમાં ભિખારીઓની સંખ્યા પણ ખૂબ વધારે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ભિખારીઓ છે અને તેઓ એક મહિનામાં કેટલી કમાણી કરે છે?
ભારતમાં ભિખારીઓની સંખ્યા
સરકારી આંકડા મુજબ ભારતમાં ભિખારીઓની કુલ સંખ્યા 4,13,670 હતી. આ આંકડા 2011ની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. તેમાંથી પુરુષ ભિખારીઓની સંખ્યા 2,21,673 છે અને સ્ત્રીઓની સંખ્યા 1,91,997 છે.
કયા રાજ્યમાં સૌથી છે વધુ ભિખારીઓ
ભિખારીઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ ટોપ પર છે. અહીં 81,244 ભિખારીઓ છે જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે. પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ આવે છે જ્યાં 65,835 ભિખારીઓ છે. આ પછી આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો નંબર આવે છે.
તેઓ મહિનામાં કેટલું કમાય છે?
ભારતમાં ભિખારીઓની માસિક આવક સ્થાન, ભીડ કે શહેર પર આધાર રાખે છે. કોઈ સત્તાવાર સર્વેક્ષણ ભિખારીઓની આવકનો સચોટ ડેટા પ્રદાન કરતું નથી. પરંતુ એવો અંદાજ છે કે એક સામાન્ય ભિખારી દરરોજ 100-500 રૂપિયા કમાય છે, જેના કારણે તેની માસિક આવક 3,000-15,000 રૂપિયાની વચ્ચે થાય છે. બીજી તરફ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અથવા લખનૌ જેવા મોટા શહેરોમાં, ભિખારી દરરોજ 500-1,000 રૂપિયા એટલે કે દર મહિને 15,000-30,000 રૂપિયા કમાઈ શકે છે. પરંતુ દેશમાં આવા ઘણા ભિખારીઓ છે જેમની માસિક આવક તમને આશ્ચર્યચકિત કરશે.
ભારતના ટોપના 5 અમીર ભિખારીઓ
ભારતના અમીર ભિખારીઓની યાદીમાં પહેલું નામ મુંબઈના ભરત જૈનનું છે. ભારતના સૌથી અમીર ભિખારી ગણાતા ભરત જૈન 16 વર્ષની ઉંમરથી ભીખ માંગી રહ્યા છે અને દર મહિને 30,000 રૂપિયા સુધી કમાય છે. બિહારના પટનામાં રહેતી સરવતિયા દેવી દર મહિને 50,000 રૂપિયા સુધી કમાય છે અને વાર્ષિક 36,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. કૃષ્ણ કુમાર ગીતે મુંબઈમાં ભીખ માગીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. ગીતે દરરોજ 1500 રૂપિયા કમાય છે, જેનાથી તેમને 45,000 રૂપિયા માસિક આવક થાય છે. સંભાજી કાલે મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ભીખ માગીને દરરોજ 1500 રૂપિયા કમાય છે.