ઝારિયાની કોલસાની ખાણોમાં આગ 1916 આસપાસ લાગી હતી. રિપોર્ટ મુજબ, આ આગ કુદરતી રીતે નહોતી લાગી, પરંતુ અવૈજ્ઞાનિક ખનન અને સુરક્ષાની અવગણનાના કારણે લાગી હતી. ખનન બાદ ઘણા ભાગોને ખુલ્લા મૂકવામાં આવ્યા, જેના કારણે કોલસો હવામાં આવીને પોતે જ સળગી ઉઠ્યો. ધીમે ધીમે આ આગ જમીનની અંદર ફેલાતી ગઈ અને આજે તે સેકડો ચોરસ કિલોમીટરમાં એક્ટિવ છે. કોલસો સતત સળગતો રહે છે, જેના કારણે જમીન નીચે ગરમી અને ઝેરી વાયુઓનો સ્તર વધતો જાય છે. ઘણા વિસ્તારોમાં જમીન એટલી નબળી થઈ ગઈ છે કે ક્યારે પણ ધસી શકે છે.


ધસતી જમીન અને ઝેરી હવા

આ આગનો સૌથી મોટો અસર સ્થાનિક લોકો પર થયો છે. સતત સળગતા કોલસાના કારણે જમીન ધસી રહી છે, ઘર અને રસ્તા તૂટી રહ્યા છે. હવામાં કાર્બન મોનોઓક્સાઇડ અને સલ્ફર ડાઇઓક્સાઇડ જેવી ઝેરી વાયુઓ ઘૂલી ગઈ છે. લોકોમાં શ્વાસની બીમારીઓ, ચામડીના રોગો, અને ફેફસાંની સમસ્યાઓ વધતી જાય છે. જમીન નીચેની ગરમીના કારણે તાપમાન અસહ્ય બની ગયું છે. ઘણા લોકો પોતાના ઘર છોડીને જવા માગે છે, પણ ગરીબી અને રોજગારીની અછત તેમને ત્યાં જ રોકી રાખે છે.

સરકારના પ્રયાસો છતાં ઉકેલ નહીં

આ આગને બુઝાવવા માટે સરકાર અને BCCL (ભારત કોકિંગ કોલ લિમિટેડ) દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કોઈ સ્થાયી ઉકેલ મળ્યો નથી. 2009માં સરકારએ ઝારિયા રિહેબિલિટેશન એન્ડ ડેવલપમેન્ટ પ્લાન (JRDP) શરૂ કર્યો, જેના અંતર્ગત હજારો પરિવારોનું પુનર્વસન થવાનું હતું. પરંતુ આગનો વિસ્તાર એટલો ઊંડો અને વ્યાપક છે કે તેને પૂરેપૂરી રીતે બુઝાવવું લગભગ અશક્ય છે.

પર્યાવરણ પ્રત્યેની બેદરકારીનું જીવંત ઉદાહરણ- ઝારિયા

આજે ઝારિયા ફક્ત એક શહેર નથી, પણ અનિયંત્રિત ખનન અને પર્યાવરણ પ્રત્યેની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ આગ બતાવે છે કે જો કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ ન થાય, તો તેનું પરિણામ આખી પેઢીને ભોગવવું પડે છે. ઝારિયાના ધુમાડામાં ફક્ત કોલસો જ નહીં, પરંતુ લોકોની આશા, આરોગ્ય અને ભવિષ્ય પણ સળગી રહ્યું છે અને એ જ છે આ શહેરની સૌથી મોટી ટ્રેજેડી છે.


  • Follow us on: