ભારતીય રેલવેએ ટ્રેન મુસાફરી દરમિયાન મુસાફરોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવેથી તમામ મેઇલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં મોડી રાત્રે મોબાઇલ ફોન, લેપટોપ અને પાવર બેંકના ચાર્જિંગ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, ટ્રેનના કોચમાં આવેલા તમામ ચાર્જિંગ સોકેટ્સનો પાવર સપ્લાય દરરોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી સવારે ૫:૦૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

રાત્રિના ચાર્જિંગ પર પ્રતિબંધ કેમ મૂકાયો?

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે મુસાફરી કરતી વખતે મુસાફરો ઘણીવાર પોતાના મોબાઇલ, લેપટોપ કે પાવર બેંક ચાર્જિંગમાં લગાવીને ગાઢ નિદ્રામાં પોઢી જાય છે. આ કારણે ઉપકરણો લાંબા સમય સુધી ચાર્જ થવાથી ઓવરહિટીંગ (વધુ પડતા ગરમ થવા) ની સમસ્યા સર્જાય છે.

પાવર બેંકમાં વિસ્ફોટની ઘટના આવી હતી સામે

તાજેતરના સમયમાં ચાર્જિંગ દરમિયાન પાવર બેંકમાં વિસ્ફોટ થવા, શોર્ટ સર્કિટ થવા અને આગ લાગવાની કેટલીક ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. રાત્રે મુસાફરો ઊંઘેલા હોવાથી ઉપકરણમાં થતી સ્પાર્કિંગ કે ઓવરહિટીંગ સમયસર ધ્યાને આવતી નથી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનું ગંભીર જોખમ રહે છે. આ જ ગંભીર જોખમને ટાળવા માટે રેલવે વહીવટીતંત્રે આ કડક પગલું ભર્યું છે.

તમામ ઝોનલ રેલવેમાં આદેશ લાગુ

રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ ઝોનલ રેલવેને આ સેફ્ટી પ્રોટોકોલનો કડક અમલ કરવા માટે વિશેષ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. આ નિયમ સ્લીપર, ૩એસી, ૨એસી અને ૧એસી સહિતના તમામ વર્ગના કોચમાં લાગુ પડશે અને દરેક મુસાફરે તેનું પાલન કરવાનું રહેશે.

નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને નિર્ધારિત સમયે મુખ્ય વીજ પુરવઠો બંધ થઈ જાય તે સુનિશ્ચિત કરવા માટે, રેલવે સુરક્ષા દળ (RPF) અને વિદ્યુત વિભાગની ટીમો દ્વારા ટ્રેનોમાં અચાનક નિરીક્ષણ (ચેકિંગ) પણ કરવામાં આવશે. રેલવે તંત્રની આ પહેલ મુસાફરોની સુરક્ષિત અને નિર્ભય યાત્રા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, જેથી મુસાફરોએ રાત્રિના સમયે ચાર્જિંગ માટે અગાઉથી જ વિકલ્પો તૈયાર રાખવા પડશે.

આ પણ વાંચોઃ VIDEO: કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ ઝાયેદ II' સન્માન, રાષ્ટ્રપતિએ લગાવ્યા ગળે