કેટલાકે સોનું પીધું, કેટલાકે લોહી પીધું, તો કેટલાકે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા મૃત્યુને હરાવવાનો પ્રયાસ કર્યો. માનવ ઇતિહાસમાં અમર બનવાની ઇચ્છા નવી નથી. પ્રાચીન રાજાઓથી લઈને આજના આધુનિક ટેક ઉદ્યોગસાહસિકો સુધી, ઘણા લોકોએ જીવન લંબાવવા માટે અતિશય પ્રયાસો કર્યા છે. પરંતુ મોટાભાગે આ પ્રયાસો સફળ થવાને બદલે દુખદ અંત લાવનારા સાબિત થયા છે.
આજના સમયમાં આવું થઇ શકે !
આજના સમયમાં બ્રાયન જોહ્ન્સન નામના અમેરિકન ટેક કરોડપતિ અને બાયોહેકર 2025માં ખૂબ ચર્ચામાં આવ્યા હતા. તેઓ પોતાની વૃદ્ધાવસ્થાને અટકાવવા માટે દર વર્ષે અંદાજે 2 મિલિયન ડોલર ખર્ચે છે. એક સમયે તેમણે પોતાના કિશોરવયના પુત્રનું રક્ત પ્લાઝ્મા પોતાના શરીરમાં ટ્રાન્સફ્યુઝ કરાવ્યું હતું, જેથી જૈવિક વૃદ્ધત્વ ધીમું કરી શકાય. જોકે આ પ્રયાસ વૈજ્ઞાનિક રીતે હજી પણ વિવાદાસ્પદ છે.
ઇતિહાસમાં કોણે કરાવ્યું ?
ઇતિહાસમાં જઈએ તો, ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગ જીવનના અમૃત માટે ઝનૂની હતા. લગભગ 2200 વર્ષ પહેલાં તેમણે પોતાના સેવકોને અમૃત શોધવા માટે મોકલ્યા હતા. તેઓ માનતા હતા કે પારાના સલ્ફાઇડથી બનેલું સિંદૂર પીવાથી જીવન લાંબુ થશે. હકીકતમાં, આ ઝેરી પદાર્થ તેમના માટે ઘાતક સાબિત થયો અને 49 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું.
રોમના પોપ ઇનોસન્ટ
એ જ રીતે, રોમના પોપ ઇનોસન્ટ આઠમા વિશે માનવામાં આવે છે કે તેઓ અમર બનવા માટે બાળકોનું લોહી પીતા હતા. 1492માં જ્યારે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા, ત્યારે કિશોર છોકરાઓનું લોહી તેમને પીવડાવવામાં આવ્યું. દુર્ભાગ્યવશ, આ ક્રૂર પ્રયાસ છતાં થોડા દિવસોમાં પોપનું અવસાન થયું અને ગરીબ છોકરાઓ નિર્દોષ રીતે બલિદાન બન્યા.
ફ્રાન્સની આ મહિલા
ફ્રાન્સની ઉમરાવ મહિલા અને રાજા હેનરી બીજાની પ્રેમિકા ડાયેન ડી પોઇટિયર્સ પણ શાશ્વત યુવાનીની શોધમાં આગળ વધી હતી. તેઓ નિયમિત રીતે પીવાલાયક સોનું પીતા હતા. વર્ષો બાદ, તેમના વાળમાં વધુ પ્રમાણમાં સોનું મળ્યું, જે દર્શાવે છે કે લાંબા સમય સુધી સોનું પીવાથી તેમનું મૃત્યુ થયું હશે.
આ પણ વાંચો : Viral Video : સાપ આત્મહત્યા કરવા જતો હતો! જાણો શું કહે છે લોકો?