આજના સમયમાં આપણે જ્યાં નજર કરીએ ત્યાં CCTV કેમેરા જોવા મળે છે – રસ્તાઓ પર, મોલમાં, ઓફિસમાં, બેન્કમાં અને ઘરોમાં પણ. સુરક્ષાના હેતુથી વિશ્વભરમાં અંદાજે 1 અબજથી વધુ CCTV કેમેરા કાર્યરત છે. કોઈ ઘટના બને ત્યારે પોલીસ માટે પણ આ કેમેરા ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

CCTV કેમ અને શા માટે બનાવવામાં આવ્યા

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વનું પહેલું CCTV કેમ અને શા માટે બનાવવામાં આવ્યું હતું? ઘણા લોકોને લાગે છે કે આ ટેક્નોલોજી ચોરોને પકડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ હકીકતમાં તેની શરૂઆત એકદમ અલગ કારણસર થઈ હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો CCTV નો જન્મ

CCTV ટેક્નોલોજીની શરૂઆત 1942માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી. તે સમય દરમિયાન જર્મનીમાં બેલિસ્ટિક મિસાઇલ અને રોકેટ ટેક્નોલોજી પર ભારે કામ ચાલી રહ્યું હતું. જર્મનીના Peenemünde નામના લશ્કરી પરીક્ષણ કેન્દ્રમાં વિશ્વનું પહેલું CCTV સિસ્ટમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના વિકાસ માટે પ્રખ્યાત જર્મન એન્જિનિયર Walter Bruchને શ્રેય આપવામાં આવે છે.

V-2 રોકેટ પરીક્ષણ સાથે જોડાયેલી જરૂરિયાત

તે સમયે જર્મની વિશ્વની પ્રથમ લાંબા અંતરની માર્ગદર્શિત બેલિસ્ટિક મિસાઇલ V‑2 Rocketનું પરીક્ષણ કરી રહ્યું હતું. રોકેટ પરીક્ષણ દરમિયાન ઘણી વખત ટેકનિકલ ખામી સર્જાતી હતી. પરિણામે અચાનક વિસ્ફોટ થવાનો ભય રહેતો. જો વૈજ્ઞાનિકો લોન્ચ પેડની નજીક ઉભા રહેતા, તો તેમની જિંદગી જોખમમાં પડી શકતી. આ કારણે વૈજ્ઞાનિકોને એવી ટેક્નોલોજીની જરૂર પડી કે જેના દ્વારા તેઓ સુરક્ષિત અંતરેથી રોકેટ લોન્ચનું નિરીક્ષણ કરી શકે.

બ્લાસ્ટ ઝોનમાંથી આવ્યો અનોખો વિચાર

આ સમસ્યાનો ઉકેલ તરીકે એક નવી સિસ્ટમ વિકસાવવામાં આવી. તેમાં કેમેરા અને મોનિટરનો ઉપયોગ કરીને લોન્ચ પેડને લાઈવ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી. એન્જિનિયર વોલ્ટર બર્ચે લોન્ચ પેડની નજીક સ્ટીલ અને કોંક્રિટથી બનેલા સુરક્ષિત ઘેરામાં કેમેરા ફિટ કર્યા. આ કેમેરા ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જેથી તે ભારે વિસ્ફોટ અથવા ગરમીનો સામનો કરી શકે.

બંકરમાં બેઠેલા વૈજ્ઞાનિકો જોઈ શકતા હતા લાઈવ દૃશ્ય

આ કેમેરાઓ વાયર દ્વારા દૂર આવેલા સુરક્ષિત બંકર સાથે જોડાયેલા હતા. બંકરમાં બેઠેલા વૈજ્ઞાનિકો મોનિટર પર રોકેટ લોન્ચનું લાઈવ દૃશ્ય જોઈ શકતા હતા. કારણ કે આ આખી સિસ્ટમ બંધ વાયર નેટવર્ક પર કામ કરતી હતી, તેથી તેને Closed-Circuit Television (CCTV) નામ આપવામાં આવ્યું.

વૈજ્ઞાનિકો માટે બની જીવન બચાવતી ટેક્નોલોજી

આ શોધના કારણે વૈજ્ઞાનિકો હવે પોતાની જાન જોખમમાં નાખ્યા વગર રોકેટ પરીક્ષણનું નિરીક્ષણ કરી શકતા હતા. આ ટેક્નોલોજી પછી ધીમે ધીમે અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગ થવા લાગી. 1960 પછી CCTVનો ઉપયોગ બેન્ક, દુકાનો અને જાહેર સ્થળોની સુરક્ષા માટે થવા લાગ્યો. આજે તો સ્માર્ટ કેમેરા, AI સર્વેલન્સ અને ફેશિયલ રેકોગ્નિશન જેવી અદ્યતન ટેક્નોલોજી સાથે CCTV સિસ્ટમ વધુ શક્તિશાળી બની ગઈ છે.

આજે સુરક્ષાનો અવિભાજ્ય ભાગ

આજના સમયમાં CCTV માત્ર સુરક્ષા માટે નહીં પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઇમ કંટ્રોલ, ઔદ્યોગિક દેખરેખ અને સ્માર્ટ સિટીઝ માટે પણ ઉપયોગી બની ગયું છે. એક સમય હતો જ્યારે આ ટેક્નોલોજી માત્ર રોકેટ પરીક્ષણ જોવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ આજે તે સમગ્ર વિશ્વની સુરક્ષા વ્યવસ્થાનો અગત્યનો ભાગ બની ગઈ છે.

આ પણ વાંચો : India torpedo power : સમુદ્રનું સૌથી ખતરનાક હથિયાર ‘ટોર્પિડો’! શું ભારત પાસે છે તેને ટક્કર આપવાની શક્તિ?