જ્યારે પણ ઘર બનાવવાની વાત આવે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા ઈંટ, સિમેન્ટ, રેતી અને લોખંડના સળિયાના ચિત્રો સામે આવે છે. વર્ષોથી આ વસ્તુઓ મકાન નિર્માણ માટે પાયાની જરૂરિયાત રહી છે. પરંતુ બદલાતા સમય સાથે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ આવી છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં લોકો ઈંટોના બદલે થર્મોકોલ જેવી દેખાતી મોટી-મોટી શીટ્સ અને બ્લોક્સથી ઘરની દીવાલો બનાવતા જોવા મળી રહ્યા છે.


પ્રથમ નજરે આ વાત અજીબ અને અસુરક્ષિત લાગી શકે છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં આ કોઈ સામાન્ય પેકિંગવાળું થર્મોકોલ નથી. આ સામગ્રીને EPS (Expanded Polystyrene) બ્લોક કે પેનલ કહેવામાં આવે છે. આજના આધુનિક કન્સ્ટ્રક્શનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

ઉનાળામાં એસી-કુલરની જરૂરિયાત ઘટાડશે

EPS પેનલ્સ ખૂબ જ હલકી હોવા છતાં અત્યંત મજબૂત હોય છે. આ દીવાલો 'થર્મલ ઈન્સ્યુલેશન' (Thermal Insulation) નું કામ કરે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બહારની કાળઝાળ ગરમીને ઘરની અંદર પ્રવેશવા દેતી નથી. જેના કારણે ઉનાળામાં પણ ઘરની અંદરનું તાપમાન ખૂબ નીચું અને ઠંડુ રહે છે, જેથી એસી કે કુલરનો વપરાશ અને વીજળીનું બિલ બંને ઘટી જાય છે.

ઝડપી બાંધકામ અને બહુવિધ ઉપયોગ

પરંપરાગત ઈંટોની સરખામણીમાં આ શીટ્સ વજનમાં ઘણી હલકી હોય છે, જેથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી સરળ બને છે અને દીવાલો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. હાલમાં દુનિયાના ઘણા દેશોમાં ઘર બનાવવા ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ, સેન્ડવિચ પેનલ્સ અને છત બનાવવા માટે આ ટેકનોલોજી વપરાય છે.

શું ઈંટોનું અસ્તિત્વ ખતમ થઈ જશે?

વીડિયો જોઈને ઘણા યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે થર્મોકોલનું ઘર કેટલું મજબૂત હશે? નિષ્ણાતોના મતે, આ પેનલ્સનો ઉપયોગ સીધો નથી થતો, પરંતુ તેને સ્ટીલના માળખા (Structure) અને કોંક્રિટ સાથે જોડીને મજબૂતી આપવામાં આવે છે. જો કે, આનાથી ઈંટોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ ભવિષ્યના સ્માર્ટ અને ઈકો-ફ્રેન્ડલી ઘરો માટે આ ટેકનોલોજી ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો:Indian Navyને મળ્યા 3 નવા જહાજો, PM મોદીએ કોલકાતાથી INS દૂનાગીરી, સંશોધક અને અગ્રય દેશને સમર્પિત કર્યા

  • Follow us on: