કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની FASTag અંગેની એક મોટી જાહેરાત બાદ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વધારે મુસાફરી કરનારાઓ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. માર્ગ પરિવહન ક્ષેત્રે ઝડપથી વિકાસના કાર્ય માટે અને ટોલ ટેક્સની સમય ખાનારી પ્રક્રિયાથી છુટકારો મેળવવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ FASTag અંગે મોટી જાહેરાત કરી છે. 15 ઓગસ્ટ, 2025 થી, સરકાર FASTag આધારિત વાર્ષિક પાસ જારી કરશે. આ માટે વર્ષમાં એકવાર 3,000 રૂપિયા ચૂકવવા પડશે. હાલ ટોલ સિસ્ટમ અંગેની વાત ચાલી રહી છે, ત્યારે ચાલો જાણીએ કે કયા દેશમાં વિશ્વની સૌથી ઝડપી ટોલ સિસ્ટમ છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.
FASTag આધારિત વાર્ષિક પાસ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવી વાર્ષિક ટોલ પાસ સિસ્ટમમાં દર વર્ષે 3,000 રૂપિયા ચૂકવીને ખાનગી વાહનો વર્ષમાં વધુમાં વધુ 200 વખત ટોલમાંથી પસાર થઈ શકશે. આમ થવાથી મુસાફરોના પૈસાની બચત સાથે વારંવાર ટોલ ચૂકવવાવની માથાકૂટમાંથી પણ ઘણી રાહત મળશે. ટોલની નવી સિસ્ટમ જે આવશે એ મુજબ હાલ આ વાર્ષિક પાસનો ઉપયોગ માત્ર બિન-વાણિજ્યિક વાહનો માટે જ થઈ શકશે. નવી વાર્ષિક ટોલ પાસ સિસ્ટમ 15 ઓગસ્ટ, 2025 થી શરૂ થવા જઈ રહી છે.
આ દેશમાં સૌથી ઝડપી ટોલ સિસ્ટમ
આ તો આપણે કરી ભારતના ઝડપી માર્ગ પરિવાહનના વિકાસની વાત, પરંતુ વિશ્વમાં સૌથી ઝડપી ટોલ સિસ્ટમ કોઈ દેશની માનવામાં આવે છે તો એ દેશનું નામ છે નોર્વે. નોર્વેની ટોલ સિસ્ટમ દુનિયાની સૌથી ઝડપી અને અદ્યતન માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નોર્વેમાં કોઈ ટોલ બૂથ છે જ નહીં. ટોલ બૂથનું તમામ કામ હાઈટેક કેમેરા કરે છે. અહીં ઓટોમેટેડ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. વાહનની ગતિ ગમે તેટલી ઝડપી કેમ ન હોય, કેમેરા નંબર પ્લેટને ટ્રેક કરીજ નાખે છે અને આમ વાહનનો ટેક્સ કાપવામાં આવે છે. વાહન માલિક પાસેથી કેટલો ચાર્જ લેવામાં આવશે તેની માહિતી તેના ખાતામાં મોકલવામાં આવે છે. આ આખી પ્રણાલીને ઓટોપાસ નામ આપવામાં આવ્યું છે.
1991માં શરૂ થઈ આ સ્માર્ટ સિસ્ટમ
દુનિયાની સૌથી ઝડપી અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નૉર્વેની આ સુપર ફાસ્ટ ટોલ સિસ્ટમની શરૂઆત 1991માં થઈ હતી. નૉર્વેની માર્ગ પરિવહન અંગેની આ દુનિયાની સૌથી સફળ ક્રાંતિને લીધે નૉર્વેની ટોલ સિસ્ટમને હાઇટેક અને ઝડપી સિસ્ટમનો ખિતાબ મળ્યો છે. નૉર્વેની આ ટોલ સિસ્ટમની સૌથી ખાસ બાબત એની ટેક ફ્રેન્ડલી સિસ્ટમ અને વાહનની ગતિ ધીમી કર્યા વગર વાહનનો કાપવામાં આવતો ટોલ ટેક્સ છે, જેનાથી મુસાફરોને કોઈ પણ પ્રકારની આગવડતાનો સામનો નથી કરવો પડતો અને તેમનો સમય પણ બચી જાય છે.
અન્ય દેશોએ પણ અપનાવી આ સિસ્ટમ
નોર્વેમાં આ ફાસ્ટ ટોલ સિસ્ટમની નોંધ વિશ્વના અન્ય દેશોએ પણ લીધી અને તેમાંથી નકલ પણ કરી. નૉર્વેની સિસ્ટમથી પ્રભાવીત થઈને સિંગાપોરમાં પણ આવી જ ટોલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી . અહીંયા પણ કેમેરા અને સેન્સર દ્વારા ટેક્સ વસૂલવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. ત્યાર બાદ દક્ષિણ કોરિયાએ પણ દુનિયાની સૌથી ઝડપી ટોલ સિસ્ટમનો પોતાનો દાવો જાહેર કર્યો હતો, પરંતુ દક્ષિણ કોરિયા નોર્વે જેટલી ઝડપી અને શૂન્ય સ્ટોપ ટોલ સિસ્ટમ વિકસાવી શકવામાં સફળ ના થઈ શક્યું. બીજી તરફ, જાપાનની ટોલ સિસ્ટમ ટેક ફ્રેન્ડલી છે જ્યારે જગત જમાદાર અમેરિકામાં વાહનની ગતિ મર્યાદા નક્કી કરતી ટોલ સિસ્ટમ છે.
આ દેશમાં વાર્ષિક ટોલ ટેક્સ સિસ્ટમ
ચોક્કસથી ભારતમાં આવનારા ભવિષ્યમાં વાર્ષિક ટોલ ટેક્સ સિસ્ટમ લાગુ થશે, પરંતુ ભારત દેશ વાર્ષિક ટોલ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ દેશ નથી આ પેહલા સ્વિટ્ઝર્લૅન્ડમાં વાર્ષિક ટોલ સિસ્ટમ લાગુ થઈ ચૂકી છે. આ સિસ્ટમ મુજબ વર્ષમાં એકવાર ચાર્જ ચૂકવવો પડે છે. આ પછી, ક્યાંય રોકવાની ઝંઝટ નથી અને ન તો કોઈ ટોલ બૂથ છે. આ જ કારણ છે કે અહીંની સિસ્ટમ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે વધુ સારી છે. જોકે, આ સિસ્ટમ લાગુ કર્યા પછી પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ તેને નૉર્વે કરતાં વધારે આધુનિક માનવામાં આવતું નથી.