વર્ષ 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકી નેવી સીલ દ્વારા કરવામાં આવેલ ઓપરેશન આજે પણ ઈતિહાસના સૌથી ચર્ચિત સૈન્ય ઓપરેશનોમાંનું એક છે. આ ઓપરેશનમાં દુનિયાનો સૌથી મોટો આતંકી ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. પરંતુ તાજેતરમાં CIA (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી) એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકી જવાનો લાદેનના તે ઘરમાંથી 13 ઈંટો પોતાની સાથે લઈ આવ્યા હતા.

ઈંટો પર શું લખેલું હતું?

CIA ની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, એબટાબાદના તે કમ્પાઉન્ડમાંથી જે 13 ઈંટો મળી આવી હતી, તેના પર ‘A’, ‘M’ અને ‘S’ અક્ષરો અંકિત હતા. આ ઈંટો માત્ર બાંધકામનો હિસ્સો નહોતી, પરંતુ અમેરિકા માટે તે એક મોટા મિશનની સફળતાનું પ્રતીક હતી.

શા માટે આ ઈંટો લાવવામાં આવી?

નેવી સીલના કમાન્ડોએ ઓપરેશન બાદ આ ઈંટોને પુરાવા અને સ્મૃતિચિહ્ન તરીકે એકઠી કરી હતી. આમાંથી પ્રથમ ઈંટ CIA ના તત્કાલીન ડાયરેક્ટર લિયોન પેનેટાને ભેટમાં આપવામાં આવી હતી. આજે આ ઈંટો CIA ના મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે. ઓપરેશન દરમિયાન જવાનો માત્ર આતંકીનો ખાતમો જ નહોતા કરવા માંગતા, પરંતુ ત્યાંથી મળેલા પુરાવા જેવા કે પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ અને અન્ય વસ્તુઓ પણ સાથે લાવ્યા હતા.

ઓપરેશન પહેલા બનાવ્યું હતું ઘરનું મોડેલ

CIA એ એ પણ ખુલાસો કર્યો છે કે ઓપરેશનને અંજામ આપતા પહેલા લાદેનના ઘરનું એક આબેહૂબ 'રિયલ સાઈઝ મોડેલ' તૈયાર કરવામાં આવ્યું હતું. અમેરિકી જવાનોએ આ મોડેલ પર મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી હતી. આ મોડેલ દ્વારા જ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આખા પ્લાનિંગ વિશે માહિતી આપવામાં આવી હતી.

2 મે 2011ના રોજ થયેલા આ હુમલામાં લાદેન મુખ્ય બિલ્ડિંગના ત્રીજા માળે મળી આવ્યો હતો. અમેરિકાએ આ ઓપરેશન એવી રીતે પ્લાન કર્યું હતું કે આસપાસના પાકિસ્તાની નાગરિકોને કોઈ નુકસાન ન થાય. આજે 15 વર્ષ બાદ પણ આ 13 ઈંટો તે મિશનની યાદ અપાવે છે જેણે વૈશ્વિક આતંકવાદનો ચહેરો બદલી નાખ્યો હતો.

આ પણ વાંચો: Pakistan:હિન્દુસ્તાનમાં જશ્ન અને પાકિસ્તાનમાં માતમ! ઓપરેશન સિંદૂરના આઘાતથી નથી ઉભરી શક્યો પાડોશી દેશ