ભારતીય લોકકથાઓ, પૌરાણિક ગ્રંથો અને ફિલ્મોમાં સદીઓથી એક માન્યતા વણાયેલી છે કે જ્યાં પણ છુપાયેલો ખજાનો હોય, ત્યાં સાપ તેનો રક્ષક બનીને બેઠો હોય છે. ઘણા લોકો દ્રઢપણે માને છે કે સોના-ચાંદી કે કિંમતી વસ્તુઓની રક્ષા માટે સાપ ત્યાં હાજર હોય છે. જોકે, વન્યજીવન નિષ્ણાતો અને જીવવિજ્ઞાનીઓના મતે, આ માત્ર એક લોકવાયકા છે અને તેની પાછળ કોઈ આધ્યાત્મિક કે જાદુઈ જોડાણ નથી.


શા માટે સાપ જૂની ઈમારતો તરફ આકર્ષાય છે?

ખજાના ઘણીવાર જૂના ખંડેરો, ભૂગર્ભ ઓરડાઓ કે ગુપ્ત સુરંગોમાં છુપાયેલા હોય છે. આવા સ્થળો વર્ષો સુધી બંધ અને અંધારામાં રહે છે, જે સાપ માટે આદર્શ રહેઠાણ છે. સાપ ઠંડા લોહીવાળા પ્રાણીઓ હોવાથી, તેમને જીવંત રહેવા માટે યોગ્ય તાપમાનની જરૂર હોય છે. આ ભૂગર્ભ જગ્યાઓ ગરમી કે ઠંડી સામે રક્ષણ પૂરું પાડે છે. વધુમાં, આવા સ્થળો ઉંદરો, ગરોળી અને જંતુઓ માટે આશ્રયસ્થાન હોય છે. ઉંદરો સાપનો મુખ્ય ખોરાક હોવાથી, તેઓ શિકારની શોધમાં કુદરતી રીતે આવા ખંડેરો તરફ ખેંચાઈ આવે છે. આમ, ખજાનાની નજીક સાપની હાજરી એ માત્ર ખોરાક અને રહેઠાણની પ્રાપ્તિ માટેનો સંયોગ છે, ખજાનાના રક્ષણ માટે નહીં.

ઐતિહાસિક અને પૌરાણિક પાસાઓ

પૌરાણિક કથાઓમાં નાગ કે સાપને સંપત્તિના રક્ષક તરીકે દર્શાવવામાં આવે છે, જે સમય જતાં વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વધુ મજબૂત બની છે. ઈતિહાસકારોનું માનવું છે કે પ્રાચીન સમયમાં રાજાઓ કે ધનિક લોકો ચોરોને ડરાવવા માટે તેમના ખજાનાની આસપાસ સાપ હોવાની અફવાઓ ફેલાવતા હતા. ક્યારેક, સુરક્ષા વધારવા માટે આવી ગુપ્ત જગ્યાઓ પાસે ખરેખર ઝેરી સાપને જાણી જોઈને છોડી દેવામાં આવતા હતા, જેથી સામાન્ય માણસો ત્યાં જવાની હિંમત પણ ન કરે.

આ પણ વાંચોઃ ખાલી બંગ્લાઓમાંથી જ કેમ આવે છે ડરામણા અવાજ? આ રહ્યું તેનુ કારણ

  • Follow us on: