પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ (FoPL) સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને કડક સૂચના આપી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAI પાસે સ્પષ્ટતા માંગી છે કે પેકેજ્ડ ફૂડમાં ખાંડ, મીઠું, સોડિયમ, પોટેશિયમ કે સંતૃપ્ત ચરબીની ચોક્કસ મર્યાદા શું નક્કી કરવામાં આવી છે, જેને વટાવ્યા બાદ કંપનીઓ માટે લાલ ચેતવણી ચિહ્ન મૂકવું ફરજિયાત બનશે. કોર્ટે પ્રસ્તાવિત નિયમો પાછળના વૈજ્ઞાનિક આધાર અંગે પણ વિગતવાર જવાબ માગ્યો છે.
પેકેજ્ડ ફૂડ પર રેડ લેબલનો લાવશે નિયમ
FSSAI ના પ્રારંભિક પ્રસ્તાવમાં બે તબક્કામાં નિયમો લાગુ કરવાની યોજના હતી, જેમાં પ્રથમ તબક્કામાં ખાંડ, મીઠું કે સંતૃપ્ત ચરબીમાંથી ઓછામાં ઓછા બે ઘટકો મર્યાદા બહાર હોય ત્યારે જ લાલ ષટકોણ આકારનું લેબલ લગાવવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટે આ બે તબક્કાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવતા સ્પષ્ટ કર્યું કે જો આ ત્રણેયમાંથી એક પણ ઘટક નિર્ધારિત મર્યાદા વટાવે, તો પેકેટ પર ચેતવણી હોવી જ જોઈએ. કોર્ટના વલણને જોતાં FSSAI હવે શરૂઆતથી જ આ કડક નિયમ અમલી બનાવવા સંમત થયું છે.

મર્યાદા નક્કી કરવા અંગે વિવાદ
ઓલ ઈન્ડિયા ફૂડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIFPA) એ FSSAI ના ૧૦૦ ગ્રામ અથવા ૧૦૦ મિલીના આધારે જોખમ મૂલ્યાંકન કરવાના પ્રસ્તાવ સામે વિરોધ દર્શાવ્યો છે. કંપનીઓનો તર્ક છે કે લોકો અથાણું કે ચટણી જેવી ચીજો એકસાથે ૧૦૦ ગ્રામ નથી ખાતા પરંતુ ૫ ગ્રામ જેટલી સર્વિંગ સાઈઝમાં લે છે, તેથી ચેતવણીના માપદંડ પ્રતિ-સર્વિંગ સાઈઝ મુજબ નક્કી થવા જોઈએ. FSSAI એ કોર્ટને જણાવ્યું કે આ મર્યાદા ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) ડાયેટરી માર્ગદર્શિકા ૨૦૨૪ પર આધારિત છે, જેની સંપૂર્ણ વિગતો કોર્ટે રજૂ કરવા આદેશ આપ્યો છે.
લાલ રંગના પ્રતીકથી ગ્રાહકોમાં મૂંઝવણ થવાની શક્યતા
FSSAI દ્વારા પ્રસ્તાવિત લાલ રંગના છ ખૂણાવાળા (ષટ્કોણ) લેબલ પર પણ સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે. ભારતીય ગ્રાહકો સામાન્ય રીતે લાલ રંગને માંસાહારી અને લીલા રંગને શાકાહારી ખોરાક સાથે જોડે છે. શાકાહારી જંક ફૂડના પેકિંગ પર લાલ ષટ્કોણ ચિહ્ન જોઈને લોકોમાં ભ્રમ ઊભો થઈ શકે છે, તેથી સર્વોચ્ચ અદાલતે FSSAI ને ચેતવણી લેબલના રંગ અંગે પુનર્વિચાર કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : High Protein Diet: પ્રોટીન પાઉડરને પણ માત આપે છે ગામડાના આ દેશી સુપરફૂડ્સ