મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવની અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે. કાચા તેલની આયાત પર નિર્ભર દેશો વધતી કિંમતોથી બચવા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. આ સ્થિતિમાં ચીને માર્ચ મહિનામાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે ભારતમાં કિંમતો સ્થિર રાખવામાં આવી છે.


ચીને માર્ચમાં બે વાર વધાર્યા ભાવ

ચીનના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા દર 10 દિવસે ઇંધણના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. તાજેતરના ફેરફારમાં, પેટ્રોલમાં પ્રતિ ટન 1160 યુઆન અને ડીઝલમાં પ્રતિ ટન 1115 યુઆનનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ માર્ચમાં પેટ્રોલમાં 695 યુઆન અને ડીઝલમાં 670 યુઆન પ્રતિ ટનનો વધારો થયો હતો.

ચીન પર કેમ પડી રહી છે અસર?

ચીન તેની કાચા તેલની જરૂરિયાતનો લગભગ 70% હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. જેમાંથી 45% તેલ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થાય છે. આ વિસ્તારમાં ચાલી રહેલા તણાવને કારણે ચીનનો 30% તેલ પુરવઠો જોખમમાં છે, જેને કારણે ચીને વારંવાર ભાવ વધારવાની ફરજ પડી રહી છે.

ભારતમાં સ્થિતિ સ્થિર

વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ દિલ્હીમાં પેટ્રોલ આશરે ₹94.77 અને મુંબઈમાં ₹103.54 પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલ દિલ્હીમાં ₹87.67 અને મુંબઈમાં ₹90.03 પ્રતિ લિટર છે.

ચીનમાં કિંમતની ગણતરી

ચીનમાં ઇંધણની કિંમત લિટરના બદલે પ્રતિ ટન મુજબ ગણવામાં આવે છે. સામાન્ય રીતે 1 ટન પેટ્રોલ આશરે 1300 થી 1400 લિટર અને 1 ટન ડીઝલ 1136 થી 1220 લિટરની બરાબર હોય છે. આ રીતે સીધી સરખામણી કરવી મુશ્કેલ છે, પરંતુ વારંવારનો ભાવ વધારો ચીનની અર્થવ્યવસ્થા પર દબાણ વધારી રહ્યો છે.

આ પણ વાંચો- India Nuclear Weapon : પરમાણુ યુદ્ધ થાય તો ભારતમાં કોણ કરશે અંતિમ પ્રલયનો નિર્ણય?

  • Follow us on: