હીલિયમ ગેસ માત્ર ફુગ્ગા ભરવા માટે નથી, પરંતુ તે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની કરોડરજ્જુ છે. રોકેટ લોન્ચિંગથી લઈને હોસ્પિટલોમાં MRI સ્કેન સુધી, આ ગેસ વિના અનેક મહત્વના કામો અટકી શકે છે. હાલમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે હીલિયમની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જે ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે મોટો પડકાર છે.
કોની પાસે છે હીલિયમનું સામ્રાજ્ય?
વિશ્વમાં હીલિયમના ઉત્પાદનમાં અમેરિકા (USA) નિર્વિવાદ બાદશાહ છે. વિશ્વની કુલ જરૂરિયાતના 40% થી વધુ હીલિયમ એકલું અમેરિકા ઉત્પન્ન કરે છે. અમેરિકા પછી કતાર અને રશિયા પણ આ યાદીમાં છે, પરંતુ અમેરિકાનું વર્ચસ્વ સૌથી વધુ છે. હીલિયમની શોધ 1868માં સૂર્યના કિરણોના અભ્યાસ દરમિયાન થઈ હતી, તેથી તેને પૃથ્વી પર શોધતા પહેલા અવકાશમાં શોધવામાં આવ્યો હતો.
ભારતની સ્થિતિ અને જરૂરિયાત
ભારત માટે સ્થિતિ થોડી ચિંતાજનક છે કારણ કે દેશમાં હીલિયમનું ઘરેલું ઉત્પાદન લગભગ નહિવત છે. ભારત દર વર્ષે અંદાજે 65.66 મિલિયન ક્યુબિક મીટર હીલિયમનો વપરાશ કરે છે, જેના માટે વિદેશી આયાત પાછળ દર વર્ષે અંદાજે 55,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. આ એક મોટી રકમ છે જે વિદેશી હૂંડિયામણ પર બોજ નાખે છે.
મહત્વ અને ઉપયોગ
હીલિયમ અત્યંત સંવેદનશીલ ક્ષેત્રોમાં વપરાય છે. હોસ્પિટલોમાં MRI મશીનોને ઠંડા રાખવા માટે પ્રવાહી હીલિયમ અનિવાર્ય છે. આ ઉપરાંત રોકેટ લોન્ચિંગ, પરમાણુ રિએક્ટર્સ અને સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં પણ તેનો મોટો ફાળો છે. ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રી આ ગેસ વિના આગળ વધી શકે તેમ નથી.
આત્મનિર્ભરતા તરફ વધતા કદમ
આયાત ઘટાડવા માટે ભારતે પ્રયાસો તેજ કર્યા છે. તાજેતરમાં IIT બોમ્બે દ્વારા પ્રવાહી હીલિયમ બનાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઝારખંડના રાજમહેલ જ્વાળામુખી બેસિનમાં હીલિયમના મોટા ભંડાર હોવાની શક્યતા છે. ભારત પાસે અંદાજે 150 ગરમ પાણીના કુંડ છે જ્યાંથી હીલિયમ મેળવી શકાય છે. જો સરકાર આ કુદરતી સ્ત્રોતોમાંથી ગેસ કાઢવાની ટેકનોલોજી પર કામ કરે, તો ભારત હીલિયમ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે.
આ પણ વાંચો- Pakistanમાં બોયકોટની બૂમો! ધુરંધર 2ની સક્સેસથી પાકિસ્તાની એક્ટરને લાગ્યા મરચાં, કહ્યું- ફિલ્મ જોવી પાપ...!