યમનમાં જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયા આ દિવસોમાં ચર્ચામાં છે. નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ફાંસીની તારીખ 16 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ભારતમાં ઘણા સંગઠનો અને વિપક્ષી નેતાઓ નિમિષા પ્રિયાના કેસમાં ભારત સરકાર પાસેથી હસ્તક્ષેપની માગ કરી રહ્યા છે.
આ લોકોનું કહેવું છે કે ભારત સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને નિમિષા પ્રિયાને પાછી લાવવી જોઈએ. પહેલા એ સમજવું જરૂરી છે કે નિમિષા પ્રિયાને યમનની જેલમાં કેમ કેદ કરવામાં આવી છે? તેના પર કયા આરોપો છે? અને ભારત સરકાર માટે તેને બચાવવાનું આટલું મુશ્કેલ કેમ છે?
2008માં યમન પહોંચી હતી
કેરળની રહેવાસી નિમિષા પ્રિયા 2008 થી યમનમાં છે. તે નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યમન પહોંચી હતી અને અહીં નર્સ તરીકે કામ કરતી હતી. 2011માં તે કેરળ પાછી ફરી અને ટોમી થોમસ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી નિમિષા પ્રિયા તેના પતિ સાથે યમન પાછી ફરી. આ દરમિયાન બંનેને એક પુત્રી પણ હતી. 2014માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ દરમિયાન, નિમિષાનો પતિ ટોમી થોમસ તેની પુત્રી સાથે કેરળ પાછો ફર્યો પરંતુ નિમિષા યમનમાં જ રહી ગઈ.
2015માં ક્લિનિક ખોલ્યું
2015માં નિમિષા પ્રિયાએ યમનની એક સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી છોડી દીધી અને સ્થાનિક ઉદ્યોગપતિ તલાલ અબ્દો મેહદી સાથે લગ્ન કર્યા અને તેમની ભાગીદારીમાં પોતાનું ક્લિનિક ખોલ્યું. યમનના કોર્ટના દસ્તાવેજો અનુસાર જુલાઈ 2017માં નિમિષા પ્રિયાએ તલાલ અબ્દો મેહદીને બેભાન કરીને મારી નાખ્યો અને અન્ય એક નર્સ સાથે મળીને તેના શરીરને ટુકડા કરી પોલીથીનમાં પેક કરીને જમીનમાં એક ટાંકીમાં ફેંકી દીધો. જ્યારે મહેદીની હત્યાનું રહસ્ય ખુલ્યું, ત્યારે નિમિષાની ધરપકડ કરવામાં આવી.
કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી
યમનના નાગરિકની હત્યાનો મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાં નિમિષાએ હત્યાની કબૂલાત કરી. યમનની ટ્રાયલ કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી, જેને નિમિષાએ યમનની સુપ્રીમ કોર્ટમાં પડકારી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ તેની સજાને યથાવત રાખી. આ પછી નિમિષાએ યમનના રાષ્ટ્રપતિને માફી માટે અપીલ કરી, પરંતુ આ અપીલ ફગાવી દેવામાં આવી. હવે નિમિષાની ફાંસી માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
નિમિષાને બચાવવી કેમ મુશ્કેલ છે?
યમનમાં હત્યાના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ છે. અહીંનો કાયદો ઇસ્લામિક કાયદા અનુસાર ચાલે છે, જેમાં ગુનેગારને બ્લડ મની આપીને બચાવી શકાય છે. બ્લડ મની એ રકમ છે જે આરોપી દ્વારા મૃતકના પરિવારને વળતર તરીકે આપવામાં આવે છે. જો મૃતકનો પરિવાર બ્લડ મની લેવા સંમત થાય તો મૃત્યુદંડ માફ કરી શકાય છે. મહેદીના પરિવારે બ્લડ મની લેવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેને બચાવવાનો છેલ્લો ઓપ્શન પણ સમાપ્ત થઈ ગયો. આ રીતે તેને બચાવવાના તમામ કાનૂની પ્રયાસો નિષ્ફળ ગયા.