આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર ભવિષ્ય જ નથી ઘડી રહી, પરંતુ ઇતિહાસના ધૂળ ખાઈ રહેલા પાનાઓમાં છુપાયેલા રહસ્યોને પણ ઉજાગર કરી રહી છે. તાજેતરમાં ટેકનોલોજીની મદદથી 1477 ના વર્ષનો એટલે કે આશરે540 વર્ષ જૂનો એક પ્રેમ પત્ર ડીકોડ કરવામાં આવ્યો છે. આ પત્ર માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ એક એવી યુવતીના હૃદયની ચીસ છે જેણે સદીઓ પહેલા પ્રેમ અને સામાજિક કુરીતિઓ વચ્ચે સંઘર્ષ કર્યો હતો.
પ્રેમ, લગ્ન અને દહેજનો અવરોધ
એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ પત્ર માર્ગરી બ્રુઝ નામની મહિલાએ તેના મંગેતર જોન પેસ્ટનને લખ્યો હતો. તે સમયે જોન લંડનમાં હતો અને બંનેના લગ્નની વાતો ચાલી રહી હતી. જોકે, આ સુખદ સફરમાં 'દહેજ' એક મોટી દીવાલ બનીને ઊભું રહ્યું. માર્ગરીના પિતાએ 200 પાઉન્ડ દહેજ પેટે આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેઓ આ રકમ હપ્તામાં ચૂકવવા માંગતા હતા. બીજી તરફ, જોનની માતાની કેટલીક શરતો અને માંગણીઓને કારણે આ સંબંધ તૂટવાની અણી પર આવી ગયો હતો.
હૃદયસ્પર્શી અભિવ્યક્તિ
પોતાના પ્રેમીને લખેલા પત્રમાં માર્ગરીની વેદના સાફ દેખાય છે. તેણે લખ્યું હતું કે, "જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોવ, તો માત્ર પૈસાના કારણે મને છોડી દેશો નહીં." આ શબ્દો સાબિત કરે છે કે સદીઓ પહેલા પણ લાગણીઓનું મૂલ્ય ભૌતિક સંપત્તિ કરતા વધુ હતું. માર્ગરી એટલી હદે પ્રેમમાં હતી કે તેણે જોન માટે પોતાની અડધી સંપત્તિ પણ જતી કરવાની તૈયારી બતાવી હતી. નિષ્ણાતો આ પત્રને વિશ્વનો સૌથી જૂનો રેકોર્ડ થયેલો પ્રેમ પત્ર માની રહ્યા છે.
AI ની ભૂમિકા: જૂની લિપિને નવું જીવન
500 વર્ષથી વધુ જૂના આ પત્રને ઉકેલવો એ સંશોધકો માટે એક પડકાર હતો. તેમાં જૂની અંગ્રેજી ભાષા, લુપ્ત થઈ ગયેલા ખાસ અક્ષરો અને ઝાંખી પડી ગયેલી શાહીનો ઉપયોગ થયો હતો. AI-આધારિત ઇમેજિંગ ટેકનોલોજી અને હસ્તલેખન વિશ્લેષણ દ્વારા આ અક્ષરોને સ્પષ્ટ કરવામાં આવ્યા. આ ટેકનોલોજીએ માત્ર શબ્દો જ નહીં, પણ પત્રમાં છુપાયેલી ગંભીરતા અને ભાવનાઓને પણ ડીકોડ કરી છે.
આ પણ વાંચોઃ Japan : યુદ્ધની અસર જાપાનમાં,જાણો કેમ સરકારી કર્મચારીઓ હવે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ જશે!