વિશ્વના સૌથી શિસ્તબદ્ધ દેશોમાં જેની ગણના થાય છે તેવા જાપાનમાં અત્યારે એક અનોખો બદલાવ જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પેદા થયેલ તેલ અને ગેસના સંકટ તથા આકરી ગરમીને જોતા જાપાન સરકારે તેના કર્મચારીઓ માટે ડ્રેસ કોડમાં મોટી છૂટછાટ આપી છે. હવે જાપાનના સરકારી કર્મચારીઓ શોર્ટ્સ (ટૂંકા લેંઘા) અને ટી-શર્ટ પહેરીને ઓફિસમાં કામ કરતા જોવા મળશે.

ઊર્જા બચાવવા માટેનો નવતર પ્રયોગ

ટોક્યો મેટ્રોપોલિટન સરકારે જાહેરાત કરી છે કે તેઓ તેમના કર્મચારીઓને એર કંડિશનર (AC) પરની નિર્ભરતા ઘટાડવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વના યુદ્ધને લીધે ઊર્જાના ખર્ચમાં થયેલો તોતિંગ વધારો છે. જાપાન મોટાભાગની ઊર્જા આયાત કરે છે, અને વર્તમાન સ્થિતિમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે.

"કૂલ બિઝ" અભિયાનનો વિસ્તાર

જાપાનમાં "કૂલ બિઝ" (Cool Biz) યોજના કોઈ નવી નથી. તેની શરૂઆત 2005માં તે સમયના પર્યાવરણ મંત્રી અને હાલના ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકે દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના હેઠળ ઉનાળામાં ટાઈ અને કોટ ન પહેરવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ હવે વધતી ગરમી અને ઊર્જા સંકટને જોતા તેમાં શોર્ટ્સ, પોલો શર્ટ અને સ્નીકર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગવર્નર કોઈકે પોતે આ ઝુંબેશને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

ગરમીનો વિક્રમી આંકડો અને "કોકુશો" દિવસો

જાપાનમાં ગરમીનું સ્તર દિવસેને દિવસે જોખમી બની રહ્યું છે. ગયા વર્ષે જાપાને 1898 પછીનો સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો હતો, જેમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. હવામાન વિભાગે આવા અતિશય ગરમ દિવસો માટે હવે એક નવું નામ આપ્યું છે – "કોકુશો" (Kokusho), જેનો અર્થ થાય છે 'અત્યંત ગરમ' દિવસો.
 કુદરતી આફતો અને વૈશ્વિક યુદ્ધોની અસર
માત્ર ડ્રેસ કોડ જ નહીં, પરંતુ વીજળી બચાવવા માટે સરકારે કર્મચારીઓને 'ટેલિવર્ક' (વર્ક ફ્રોમ હોમ) કરવા અને ઓફિસના સમયમાં ફેરફાર કરી વહેલા કામ શરૂ કરવા પણ અપીલ કરી છે. જાપાનના આ પગલાં દર્શાવે છે કે ભલે તે એક આર્થિક મહાસત્તા હોય, પરંતુ કુદરતી આફતો અને વૈશ્વિક યુદ્ધોની અસરથી તે અલિપ્ત નથી.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓનો બેઝિક પગાર થશે 72,000! જાણો 8મા પગાર પંચની નવી ભલામણો

  • Follow us on: