આજે આપણે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તેનો પાયો બરાબર 150 વર્ષ પહેલાં 10 માર્ચ, 1876 ની સાંજે નખાયો હતો. અમેરિકાના બોસ્ટન શહેરમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને તેમના સહાયક થોમસ વોટ્સન એક એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા હતા જે વાયર દ્વારા અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે.

એક અકસ્માત જે શોધમાં પરિણમ્યો

આ ઐતિહાસિક ઘટના પાછળ એક નાનકડી ભૂલ જવાબદાર હતી. પ્રયોગ દરમિયાન બેલ અને વોટ્સન અલગ-અલગ રૂમમાં હતા. અચાનક ગ્રેહામ બેલના કપડાં પર ભૂલથી એસિડ છલકાયું. પીડામાં તેમણે બૂમ પાડી, "શ્રી વોટ્સન, અહીં આવો, મારે તમારું કામ છે." (Mr. Watson, come here, I want to see you). આ શબ્દો વાયર દ્વારા વોટ્સનના રૂમમાં રહેલા રિસીવર સુધી પહોંચ્યા. વોટ્સન તરત જ દોડી આવ્યા અને ખુશીથી બૂમ પાડી કે તેમણે બેલનો અવાજ સ્પષ્ટ સાંભળ્યો છે. આ રીતે વિશ્વનો પ્રથમ ટેલિફોન કોલ સફળ રહ્યો.

પેટન્ટ માટેની રસાકસી

ટેલિફોનની શોધ માત્ર વિજ્ઞાન નહીં પણ કાયદાકીય લડાઈનો પણ વિષય રહી છે. 14 ફેબ્રુઆરી, 1876 ના રોજ બેલના વકીલે સવારે 11.30 વાગ્યે પેટન્ટની અરજી કરી હતી. નવાઈની વાત એ છે કે, તે જ દિવસે માત્ર બે કલાક પછી એલિશા ગ્રે નામના બીજા વૈજ્ઞાનિકે પણ સમાન ઉપકરણ માટે અરજી કરી. પરંતુ બેલની અરજી વહેલી હોવાથી ૭ માર્ચે તેમને સત્તાવાર પેટન્ટ મળી અને વિશ્વએ તેમને ટેલિફોનના જનક તરીકે સ્વીકાર્યા.

આજની ટેકનોલોજીનો પાયો

બેલની આ શોધ 'લિક્વિડ ટ્રાન્સમીટર' પર આધારિત હતી, જેમાં ધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતોમાં ફેરવવામાં આવ્યા હતા. આ પદ્ધતિએ સંદેશાવ્યવહારની દુનિયામાં એવી ક્રાંતિ લાવી કે આજે કરોડો લોકો સેકન્ડોમાં વિશ્વના કોઈપણ ખૂણે વાત કરી શકે છે. 150 વર્ષ પછી પણ, ગ્રેહામ બેલનું એ એક વાક્ય ટેકનોલોજીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.


  • Follow us on: