જીવન નિર્વાહ કરવા માટે કમાવવુ જરૂરી છે. પરંતુ આપણે નોકરી ધંધો કંઇ આજીવન તો કરી શકવાના નથી. ત્યારે વૃદ્ધાવસ્થામાં જો તમને મહિને અમુક નિશ્ચિત રકમ આપે તો કેવી સારી લાગેને. ત્યારે સરકારની આવી યોજના છે જેનું નામ છે પીએમ અટલ પેન્શન યોજના. જેના દ્વારા તમે 1 હજારથી લઇને 5 હજાર સુધીનું પેન્શન મેળવી શકો છે. ત્યારે આવો જાણીએ આ યોજના વિશે વિગતવાર


પીએમ અટલ પેન્શન યોજના શું છે?

પીએમ મોદીએ મે 2015માં પીએમ અટલ પેન્શન યોજનાનો પાયો નાખ્યો હતો. આ યોજના હેઠળ વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. જ્યારે પીએમ અટલ પેન્શન યોજનામાં રોકાણની રકમ પણ ઘણી ઓછી નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો ભાગ બનવા માટે, દર મહિને રૂ. 210 થી રૂ. 1,454નું રોકાણ કરી શકાય છે.

કોણ ભાગ લઈ શકે?

પીએમ અટલ પેન્શન યોજનાનો ભાગ બનવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. 18-40 વર્ષની વચ્ચેના લોકો આ યોજનામાં ભાગ લઈ શકે છે. એટલે કે પીએમ અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માટે વ્યક્તિની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

પીએમ અટલ પેન્શન યોજનાના લાભો

પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાથી લોકોના પૈસા સુરક્ષિત રહે છે. આ સિવાય લોકોને ટેક્સમાં પણ ઘણી છૂટ મળે છે. જો કે માત્ર અસંગઠિત ક્ષેત્રના લોકો જ આ યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષ પછી તમે જ્યાં સુધી જીવિત રહેશો તમને દર મહિને સરકાર તરફથી પેન્શન મળતું રહેશે.

જરૂરી દસ્તાવેજો શું છે?

જો તમે અસંગઠિત ક્ષેત્રના કર્મચારી છો અને તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે છે, તો તમે PM અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, વય પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે.

પીએમ અટલ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  •  પીએમ અટલ પેન્શન યોજનાની સત્તાવાર વેબસાઇટ Atal Pension Yojana Official પર જાઓ.
  •  હવે વેબસાઈટ પર આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
  •  હવે OTP દાખલ કરો અને સબમિટ કરો. આ પછી એક એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  •  હવે UPI પેમેન્ટ વિકલ્પ પર જાઓ. અહીં તમારો UPI નંબર અને UPI PIN દાખલ કરીને ચુકવણી કરો.
  •  તમે UPI દ્વારા દર મહિને અટલ પેન્શન યોજનાના હપ્તાઓ જમા કરાવી શકો છો.

  • Follow us on: