પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના તમામ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના પણ 50 લાખથી વધુ ખેડૂતો લે છે. ત્યારે હવે જે ખેડૂત આ યોજનાનો લાભ લે છે, તેના માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવેથી આ યોજનાનો લાભ લેવા માટે e-KYC કરાવવું ફરજિયાત છે. જો તમે e-KYC નહીં કરાવો તો તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થતી સહાયની રકમ મળશે નહીં.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2019થી દેશભરના ખેડૂતોને નાણાકીય સહાય આપવા માટે સરકારે પીએમ કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ દરેક ખેડૂતને 6000 રૂપિયાનો લાભ મળે છે. 2000 રૂપિયાના 3 સમાન હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે.
કેવી રીતે કરશો e-KYC?
તમને સવાલ થતો હશે કે આ e-KYC કેવી રીતે કરવું, તેનો જવાબ અને તેની પ્રોસેસ પણ અમે તમને અહીં જણાવી રહ્યા છે. e-KYC 3 પ્રકારે કરી શકાય છે.
1. OTP દ્વારા: ખેડૂત પાસે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જરૂરી છે, ત્યારબાદ તમે pmkisan.gov.in ની વેબસાઈટ પર જઈને e-KYC પર ક્લિક કરો. આધાર નંબર એડ કરો, તે પછી તમારા ફોન પર OTP આવશે, તે ઓટીપી સબમિટ કરશો એટલે તમારૂ e-KYC પૂર્ણ થઈ જશે.
2. બાયોમેટ્રિક દ્વારા: આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સાથે તમે કોઈ પણ નજીકના સિવિક સેનટ્ર પર જાઓ અને ત્યાં ઓપરેટર આધાર બેઝ્ડ વેરિફિકેશન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરીને તમારૂ e-KYC પૂર્ણ કરી આપશે.
3. ફેસ-ઓથેન્ટિકેશન દ્વારા: આના માટે તમારે મોબાઈલમાં PM-KISAN અને આધાર ફેસઆઈડી એપ ડાઉનલોડ કરવી પડશે. મોબાઈલ નંબરથી લોગિન કરીને લાભાર્થી સ્ટેટસ પેજમાં e-KYC પર ક્લિક કરીને જરૂરી વિગત ભર્યા બાદ તમારા ચહેરાને સ્કેન કરો અને e-KYC પૂર્ણ થઈ જશે.