આજકાલ દરેક વ્યક્તિનું જીવન વ્યસ્ત બની રહ્યું છે જેના કારણે તેઓ પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખી શકતા નથી. આજે લોકોની જીવનશૈલીમાં ધરખમ બદલાવ આવ્યો છે. ફેશનના નામે અને પોતાને આધુનિક બતાવવાની હોડમાં લોકો ખોટી આદતોના શિકાર થાય છે. આજે જંકફૂડ અને આલ્કોહોલનું સેવન વધતા તેમજ વ્યસ્ત અને તણાવ અને ખરાબ ખાવાની આદતોને કારણે લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધી છે. અને આના કારણે હવે લોકોને નાની ઉંમરે ટાલ પડવા લાગી છે.માથામાં વાળનો ગ્રોથ ઘટતા અને ટાલ દૂર કરવા માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટના વિકલ્પને પસંદ કરવા લાગ્યા છે.પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આકર્ષક દેખાવાના અભરખા કયારેક જીવલેણ બને છે.
કૃત્રિમ સર્જરી પર ઉઠયા સવાલ
આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે કુદરત તરફથી આપણને જે મળ્યું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. આવા કૃત્રિમ દેખાવ ધારણ કરવાને બદલે કુદરતી રીતે જે દેખાવ છે તેને સાચવવો જોઈએ. કૃત્રિમ દેખાવ મેળવવા આપણે હજારો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ અને આખરે પરિણામ શૂન્ય. યુપીના કલ્યાણપુરના કેશવપુરમમાં ક્લિનિક ચલાવતી ડૉ. અનુષ્કા તિવારી પાસેથી વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ આવા કૃત્રિમ દેખાવ મેળવવા કરાતી સર્જરીને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે.
હેર ટ્રાન્સપ્લાન્ટ શું છે?
હેર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) એક પ્રકારની તબીબી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જેઓના માથામાં ટાલ હોય તેમના માથામાં કાયમી ધોરણે વાળ ઉગાડવામાં આવે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય માહિતી કે સલાહ વિના આ પ્રક્રિયા કરાવશો તો કાનપુરના એન્જીનિયર જેવા ગંભીર પરિણામો આવી શકે છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં ક્યારેક પૈસાનો બગાડ થઈ શકે છે, માથાની ચામડીને નુકસાન થઈ શકે છે, અથવા તો ઇચ્છિત પરિણામો પણ પ્રાપ્ત થઈ શકતા નથી.
હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા આ બાબતોનું રાખો ધ્યાન
- હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ફેસિયલ કે વેકસ કરવા જેવી સરળ પ્રક્રિયા નથી. હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા થોડા કલાકમાં પૂર્ણ થતી નથી પરંતુ એ બે દિવસમાં પૂર્ણ થઈ શકે તેવી પ્રક્રિયા પણ નથી.આ પ્રક્રિયામાં 6 થી 12 મહિનાનો સમય લાગી શકે છે. ક્યારેક હેર ટ્રાન્સપ્લાન્ટના થોડા અઠવાડિયા પછી વાળ ખરવા લાગે છે.
- હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા તે વ્યક્તિ વ્યાવસાયિક ધોરણે લાયક છે તેની જરૂર તપાસ કરો.ઓછા પૈસાની લાલચમાં અને સસ્તા અને બિનવ્યાવસાયિક ક્લિનિકમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ભૂલ ન કરો. હંમેશા અનુભવી અને રજિસ્ટર્ડ સર્જન પાસે જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો.
- હેર ટ્રાન્સપ્લાન્ટ પછી ખાસ કાળજી લેવી જરૂરી છે. તડકો, ધૂળ, પરસેવો અને ઘસવાથી બચવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ, શેમ્પૂ અને માથાની ચામડીની સારવાર પણ જરૂરી બની શકે છે.
- હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હેર ટ્રાન્સપ્લાન્ટ કોના માટે જરૂરી છે અને કોના માટે નહીં. જે લોકોના માથા પર સર્જરી કે ઈજાના કારણે ડાઘ હોય અને જે લોકોના માથાના બધા ભાગોમાંથી વાળ ખરતા હોય તેમણે કાળજી લેવાની જરૂર છે.
- જો ટાલ હોર્મોનલ અથવા કોઈપણ તબીબી સ્થિતિને કારણે હોય, તો પહેલા તેની તપાસ કરાવો અને પછી જ સારવાર કરવી જરૂરી લાગે તો જ સારવાર કરાવો.
કાનપુરમાં ડોક્ટર અનુષ્કાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે 50,000 રૂપિયા લીધા હતા. હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ બે લોકોના મોત મામલે ફરિયાદ થતા ડોક્ટર અનુષ્કા પતિ સૌરભ સાથે ફરાર છે. સામાન્ય માણસો મોંઘા ખર્ચ કરી બોલીવુડ હસ્તીઓની જેમ આકર્ષક બનવા પ્રયત્ન કરે છે. આખરે આકર્ષક દેખાવાનું આ ઝનૂન માણસને મોતના કગાર પર લઈ જાય છે. અનેક બોલીવુડ સેલિબ્રિટીઓ પણ લિપ સર્જરી અથવા ફેસ સર્જરી કરાવી પોતાના મૂળ દેખાવને વધારે બેડોળ બનાવે છે. આ સર્જરી બાદ અનેક વખત આવા સેલિબ્રિટીને લોકો ટ્રોલ પણ કરે છે.