માર્ચ મહિનો શરૂ થતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીમાં શરીરને ઠંડક આપવા લોકો ઠંડા પીણાં અને પાણીનું સેવન કરતા હોય છે. ગરમીમાં લોકોને ભૂખ ઓછી લાગે છે અને વધુ ગળામાં વધુ શોષ પડતાં વધુ ને વધુ પાણીનું સેવન કરતા હોય છે. નિષ્ણાતો પણ કહેતા હોય છે કે ગરમીના દિવસોમાં પોતાના ભોજનમાંથી જંક ફૂડ દૂર કરી વધુ પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે ગરમીના દિવસોમાં નાળિયેર, ફુદિના કે લીંબુનું પાણીનું સેવન કરશો તો તમારી તરસ છીપાશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
નાળિયેર પાણી પીવાના લાભ
ઉનાળામાં ધોમ ધખતો આકરો તાપ પડતા લોકો ડિહાઇડ્રેશનની સમસ્યાનો શિકાર બનતા હોવાનું જોવા મળે છે. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં વધુ મદદરૂપ બને છે. જો તમે તમારી દિનચર્યામાં નારિયેળ પાણીનો સમાવેશ કરો તો તમારી ત્વચામાં રોનક તો આવશે જ સાથે એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મળશે. નાળિયેર પાણીમાં રહેલા તત્વો તમારી શુષ્ક અને નિર્જીવ ત્વચાને ભેજયુક્ત બનાવશે. અને નાળિયેર પાણીમાં રહેલ પોષકતત્ત્વો તમારી જઠરાગ્નિ શાંત કરશે. અનેક લોકોને નાળિયેર પાણીની સાથે તેમા રહેલ મલાઈ ખાવાનું પણ પસંદ કરે છે. નાળિયેરની મલાઈનું સેવન તમારા વાળને વધુ ચમકદાર બનાવે છે. આમ, નાળિયેરનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપશે.
લીંબુ પાણી પીવાના લાભ
ગરમીમાં સૌથી વધુ લીંબુ પાણીનું સેવન લોકો કરતા હોય છે. અનેક લોકોના ઘરોમાં ગરમીની સિઝન દરમ્યાન ચા નું સ્થાન લીંબુ પાણી લે છે. લીંબુ પાણીમાં રહેલ વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના સમયમાં આપણે જોયું કે આપણા શરીરને વીટામીન સીની સૌથી વધુ જરૂરી હોય છે. જો તમે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર બીમાર પડતા રહો છો, તો તમારે અવશ્ય લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.સવારે નરણાં કોઠે લીંબું પાણીનું સેવન તમારી શરીરમાં રહેલ વધારાની ચરબી દૂર કરે છે. તમે લીંબુ પાણીને તમારા દૈનિક આહાર યોજનાનો ભાગ બનાવી શકો છો. લીંબુ પાણીનું સેવન તમારા શરીરને ડિટોક્સ કરવા સાથે ત્વચાના રંગને નિખારવામાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
ફુદીનાનું પાણી પીવાથી લાભ
સુંગધીદાર વનસ્પતિ ફુદીના અઢળક લાભ છે. ગરમીમાં ઠંડક મેળવવા ફૂદીનાનું પાણી રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ફૂદીનાનું પાણીનું સેવન મોંમાં રહેલ દુર્ગુંધ તો દૂર કરે છે સાથે મોંના ચાંદા પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. ઉનાળામાં તમને પેટમાં આફરો ચઢતો હોય એટલે કે વારંવાર ગેસ થતો હોય ફૂદીનાના પાન ચાવવાથી ચોક્કસ લાભ થાય છે. ગરમીની સિઝનમાં કેરી જેવા ફળ ખાવાથી અનેક લોકોને કબજીયાતની સમસ્યા થતી હોય છે. ત્યારે તમે ફૂદીનાના પાણીમાં સંચળ અને જીરું પાઉડરનું મિશ્રણ કરી નિયમિત સેવન કરતાં થોડા જ સમયમાં તમારી કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે. ફુદીનાના પાણીનું સેવન કરવાથી પેટનં ઠંડક મળે છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. વજન ઘટાડવામાં પણ ફૂદીનાનું પાણી અસરકારક સાબિત થાય છે.