- હાલમાં લીચી અને તરબૂચ બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે
- પરંતુ શું તમે જાણો છો કે તે અસલી છે નકલી?
- ભેળસેળ કરનારાઓ લાલ દેખાવા માટે કેવા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે
કાળઝાળ ગરમીના કારણે હાલમાં બજારમાં લીચી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. પરંતુ આ ફળોને ઘરે લાવતા પહેલા તમે તપાસ કરો કે તે ખાવા યોગ્ય છે કે નહીં? હાલમાં બજારમાં લીચી અને તરબૂચની ભરમાર છે, જે ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે આ નકલી ફળોને લાંબા સમય સુધી ખાશો તો તમે ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. તમને જણાવી દઈએ કે આ ફળો ખરીદતા પહેલા તમે માત્ર 2 રૂપિયામાં જાણી શકો છો કે તે સારા છે કે નહીં.
નકલી લીચી અને તરબૂચ
અહીં નકલીનો અર્થ એ નથી કે આ ફળો પ્લાસ્ટિક કે રબરના બનેલા છે. તેમજ તેનો અર્થ એ નથી કે તેઓ લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ફળોને નકલી કહી રહ્યા છીએ કારણ કે તે ખોટી રીતે ઉગાડવામાં આવે છે અને તેને સુંદર અને લાલ દેખાવા માટે હાનિકારક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
ભેળસેળ કરનારાઓ તરબૂચને અંદરથી લાલ દેખાવા માટે સિરીંજનો ઉપયોગ કરીને તેમાં લાલ કલર નાંખી રહ્યા છે. આ સાથે તેને ગળ્યું બનાવવા માટે ખાંડની ચાસણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે, આ લોકો લીલી લીચીને લાલ સ્પ્રે કલરથી રંગતા હોય છે જેથી તે પાકેલી દેખાય. લીચીને મીઠી બનાવવા માટે તેમાં નાના-નાના કાણાં પાડીને તેને ખાંડની ચાસણીમાં નાખવામાં આવે છે અને થોડા સમય પછી તેને બહાર કાઢીને વેચવામાં આવે છે.
કેવી રીતે ચેક કરવું અસલી છે નકલી?
જો કોઈ ફળમાં કલર હોય તો તમે તેને માત્ર 2 રૂપિયાની વસ્તુથી શોધી શકો છો. તમારે માત્ર 2 કે 5 રૂપિયાની કિંમતનો કોટન ખરીદવું પડશે અને પછી તેને લીચી પર ઘસો. જો તેને રંગવામાં આવ્યો હોય, તો કોટનનો રંગ લાલ થઈ જશે. એ જ રીતે, તમારે પહેલા તરબૂચને કાપી નાખવું પડશે અને પછી તેને કોટનથી ઘસવું પડશે. જો તરબૂચમાં રંગ મિક્સ કરવામાં આવ્યો હશે તો કોટન લાલ થઈ જશે. જ્યારે જો કોઈ કલર મિક્સ ન હોય તો, કોટનનો રંગ ખૂબ જ આછો ગુલાબી હશે.