• સોમવારે દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે
  • ધામધૂમથી ઉજવવામાં આવે છે શ્રીકૃષ્ણનો જન્મ
  • ભગવાન કૃષ્ણને આ દિવસે ધરાવાય છે વિવિધ ભોગ

સોમવારે જન્માષ્ટમીનો પર્વ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. જેની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ ભક્તો રાત્રે 12 વાગે ભગવાનના જન્મની ઉજવણી કરે છે. માટલી ફોડવાનો કાર્યક્રમ શેરીએ શેરીએ ઉજવાય છે. પંજરી, માખણ, પંચામૃત અને વિવિધ મેવાથી બનેલી વાનગીનો પ્રસાદ આપવામાં આવે છે. ઘરો તથા મંદિરોમાં પણ ભગવાનને આ પ્રસાદ ધરાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ભગવાનને ધરાવાતો આ ભોગ કેવી રીતે સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક.

જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને ચડાવવામાં આવતી વસ્તુઓમાં સારી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ, દૂધ, દહીં અને અન્ય ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે જે પોષણથી ભરપૂર હોય છે, તેથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ.

પંચામૃત એ ગુણોનો ખજાનો છે

લોકો જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને પંચામૃત ધરાવે છે. જે દૂધ અને દહીંમાંથી બનાવવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય પંચામૃતમાં ઓછામાં ઓછા ચાર પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ અને તુલસી ઉમેરવામાં આવે છે, આ બધી વસ્તુઓનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પંજીરી કેમ છે સ્વાસ્થ્ય માટે ગુણકારી ?

જન્માષ્ટમી પર બનેલી ધાણા પંજીરીમાં પણ અનેક ગુણો રહેલા છે. ધણામાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, મેગ્નેશિયમ, કેલ્શિયમ પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જ્યારે તેમાં બદામ અને નાળિયેર, બદામ, કાજુ જેવા ડ્રાયફ્રટ પણ હોય છે જેનાથી તે વધારે હેલ્ધી બને છે. વળી તેમાં મર્યાદિત માત્રામાં દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જે હાડકાં માટે ફાયદાકારક છે. આ ઉપરાંત લોકો ઘરે રવો અને લોટની પંજીરી પણ બનાવે છે. તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી.

લાડુ પણ છે ગુણકારી

જન્માષ્ટમીના અવસર પર લોકો પોતાના ઘરે બદામ, ડ્રાયફ્રૂટ્સ અને માવો, ગોળની કતરી અને લાડુ પણ બનાવે છે. આ વસ્તુઓ ન્યૂટ્રિશન રિચ એનર્જી બારથી ઓછી નથી. આ સિવાય ભગવાન કૃષ્ણને ફળો અને ઘરે બનાવેલી માખણ મિશ્રી ચઢાવવામાં આવે છે. આ રીતે જન્માષ્ટમી પર ચઢાવવામાં આવતી વસ્તુઓ સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.


  • Follow us on: