આજકાલ લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. લોકો વધુ વ્યસ્ત બન્યા છે અને એટલે જ કેટલીક વખત અચાનક ગંભીર રોગનું નિદાન થતાં વ્યક્તિ હતાશ થઈ જાય છે. કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગમાં દર્દીઓને સારવાર મળતા રાહત થાય છે. પરંતુ કિડનીના રોગમાં મોડી માહિતી સામે આવતા તે જીવલેણ બને છે. અને એટલે જ કિડનીના રોગને ટાઈમ બોમ્બ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી તે સ્વાસ્થ્ય પર ગંભીર અસર ના કરે ત્યાં સુધી કિડની રોગની બિમારી હોવાનું આપણા ધ્યાનમાં આવતું નથી.
કિડની ફેલ થવાના લક્ષણો
શરીરમાં કેટલાક લક્ષણો દેખાય ત્યારે આપણે સાવધાન થઈ જવાની જરૂર છે. તમારી શરીરમાં સ્નાયુ ખેંચાણ થવા લાગે, વારંવાર ખંજવાળ આવતી હોય, તેમજ બિનહાનિકરાક ખાદ્ય પદાર્થ ના લીધો હોવા છતાં ઉબકા અને ઉલટી થતા હોય, તેમજ પગ અને પગની ઘૂંટીઓમાં સોજો જોવા મળતો હોય તો તમારે સર્તક થવું પડશે. આ ઉપરાંત તમારા શરીરમાં અચનાક શ્વાસ સંબંધિત સમસ્યા ઉદભવે તેમજ ઊંઘવામાં મુશ્કેલી થતી હોય તો ચોક્કસપણે તમે ક્રોનિક બીમારીથી પીડિત હોઈ શકો છો. શરીરમાં જોવા મળતા આ લક્ષણો કિડની ફેલ થવાના છે. કિડની આપણા શરીરમાંથી કચરો દૂર કરવાની કામગીરી કરે છે. એક રીતે કહી શકાય કે કિડની શરીરને ફિલ્ટર કરવાનું કામ કરે છે.
કિડની રોગ થવાના કારણો
પરંતુ કેટલાક સંજોગોમાં કિડની ફેલ થતા મૃત્યુ થવાની સંભાવના વધે છે. કિડની ફેલ થવાના જોખમી પરીબળોમાં સ્થૂળતાપણું, ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન માનવામાં આવે છે. તેમજ ખરાબ જીવનશૈલી અને ખાનપાનની કુટેવના કારણે પણ કિડની પર અસર થાય છે. કિડનીની કાર્યક્ષમતા ઘટતાં આખરે હોસ્પિટલની મુલાકત લેવી પડે છે. કિડની રોગના લક્ષણો સામાન્ય રીતે મોડા દેખાય છે અને એટલે જ તેને સાયલન્ટ બોમ્બ કહે છે.
ઉંમર વધતા કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો
સામાન્ય રીતે ઉમંર વધતા શરીરના અંગો મજબૂત બનતા હોવાનું કહેવાતું હોય છે. પરંતુ આપણા શરીરનું અંગ કિડની ઉંમર વધવાની સાથે નબળું પડવા લાગે છે. ઉંમર વધવાની સાથે કિડનીના નેફ્રોન અથવા ફિલ્ટરિંગ યુનિટ્સની સંખ્યા ઘટવા લાગે છે. જેના કારણે કિડનીની કાર્ય ક્ષમતા ઘટવા લાગે છે. જન્મ સમયે, એક કિડનીમાં 1 મિલિયન નેફ્રોન હોય છે. એટલે કે બંને કિડનીમાં થઈ તેની સંખ્યા જોઈએ તો 20 લાખ થાય. શરીરમાં લોહી સાફ કરવાના કાર્યમાં નેફ્રોન અગત્યનું ઘટક છે. પરંતુ વધતી ઉંમર સાથે આ નેફ્રોનની ઘટતી સંખ્યા કિડની પર દબાણ વધારે છે અને કેટલીક વખત કિડની બદલવાના સંજોગો પણ ઉદભવે છે.
કિડની રોગ થવાના કારણો
ખાંડ અને બ્લડ પ્રેશર જેવા રોગો કિડની પર દબાણ કરે છે. તેમજ વધતી ઉંમર સાથે જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે લોકોની કિડનીમાં ચરબી જમા થવા લાગે છે. કિડનીમાં ચરબી જમા થતા તેની કાર્યક્ષમતા મંદ પડે છે. શરીરમાં થતા મેટાબોલિક ફેરફારોના કારણે કિડની પર દબાણ પણ વધે છે અને રક્તવાહિનીઓમાં લોહીના પરીભ્રમણ પર અસર થાય છે. કિડની રોગ થવાની પ્રારંભિક સમસ્યાઓને અવગણતા મામલો ગંભીર બને છે. જેના બાદ બે જ વિકલ્પો રહે છે, એક ડાયાલિસિસ અને બીજો ટ્રાન્સપ્લાન્ટ. કિડની ફેલ્યોરની સ્થિતિમાં, કોઈ વિકલ્પ બચતો નથી. પરંતુ જો તમે શરીરમાં થતા ફેરફાર પર ધ્યાન આપતા શરૂઆતમાં જ કિડની ફેલ્યોરના લક્ષણો ઓળખશો તો યોગના વિકલ્પ અને પોષણયુક્ત આહાર અને ડોક્ટરની સલાહ મુજબ ખાનપાન અને કસરત કરતાં ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટની ગંભીર અસરને નિવારી શકશો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.