ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે લોહીલુહાણ કરી દેતી અનેક ઘટનાઓ સામે આવવા લાગી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો હતો. શહેરના ખાદી કાર્યાલય વિસ્તારમાં પતંગની ઘાતક દોરીથી એક 56 વર્ષીય આધેડના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાવરકુંડલામાં રહેતા 56 વર્ષીય ભૂપતભાઈ પાટડિયા પોતાના નિત્યક્રમ મુજબ ગાયને ચારો નાખવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક આકાશમાંથી કપાઈને આવેલી ચાઈનીઝ દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી એટલી ઘાતક અને ધારદાર હતી કે ભૂપતભાઈના ગળાના ભાગે ઊંડો કાપ પડી ગયો હતો. જોતજોતામાં તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા.

તબીબોએ બચાવ્યો જીવ

સ્થાનિક લોકોની મદદથી ભૂપતભાઈને તાત્કાલિક સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે વધુ લોહી વહી ગયું હોવાથી તેમની હાલત નાજુક હતી. જોકે, હોસ્પિટલના તબીબોએ સમયસૂચકતા વાપરી ત્વરિત સારવાર શરૂ કરી હતી અને ગળાના ભાગે 7 ટાંકા લઈને ભૂપતભાઈનો જીવ બચાવી લીધો હતો. હાલમાં તેમની સ્થિતિ સ્થિર અને જોખમમુક્ત હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

તંત્રની અપીલ

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો છૂપી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટના બાદ તંત્રએ ફરી એકવાર પતંગરસિકોને અપીલ કરી છે કે, આનંદના આ પર્વમાં બીજાનો જીવ જોખમમાં ન મુકાય તે માટે પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાથી સાવધ રહેવું અને માત્ર સુરક્ષિત સુતરાઉ દોરીનો જ ઉપયોગ કરવો.


આ પણ વાંચો - Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા


  • Follow us on: