જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાલાવડની મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાં 100 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો, ત્યારે અચાનક સંતુલન બગડતા તે સીધો નીચે પસાર થતા હાઈટેન્શન વીજ વાયર પર જઈ પડ્યો હતો. પેરાશૂટ વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોરદાર ધડાકો થયો હતો અને યુવક હવામાં લટકી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડધામ શરૂ થઈ હતી.
કોણ હતો આ પેરાગ્લાઈડર?
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વ્યક્તિ કોણ છે અને તેણે ક્યાંથી ઉડાન ભરી હતી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પેરાગ્લાઈડિંગ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, અને તે વ્યક્તિ કયા ચોક્કસ સ્થળે જવાનો હતો. વીજ વાયર પર પટકાયેલા યુવકની સ્થિતિ અને તેની ઓળખ અંગે વધુ વિગતો મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.













