ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઘાયલ ન થાય અને જો ઈજા પહોંચે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. CMએ કેર સેન્ટરની મુલાકાત લઈને પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વયંસેવકો તેમજ તબીબોની કામગીરીને બિરદાવી હતી.
કરુણા અભિયાનનું સેવા યજ્ઞ
આ અભિયાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ૫ વર્ષમાં આશરે 22,163 જેટલા અબોલ પક્ષીઓને સમયસર સારવાર આપીને તેમનું જીવન બચાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ સમયગાળા દરમિયાન ખાસ હેલ્પલાઇન નંબરો અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સવાર અને સાંજ પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે, જેથી પક્ષીઓને ઇજા થવાનું જોખમ ઘટાડી શકાય.













