મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને બાવીસી પંચાલ સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી પાંચ હજારથી વધુ જ્ઞાતિબંધુઓ ઉમટી પડતા સમગ્ર શહેર પંચાલ સમાજના રંગે રંગાયું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવાનો અને સંયુક્ત પરિવાર પ્રણાલીને જીવંત રાખવાનો હતો. વક્તાઓએ ભાર મૂક્યો હતો કે વર્તમાન સમયમાં 'એક સંતાન પૂરતું' જેવી માન્યતા સમાજના ભવિષ્ય માટે પડકારરૂપ છે, તેથી પેઢીને આગળ વધારવા માટે દરેક દંપતીએ ઓછામાં ઓછા બે સંતાનો રાખવા જોઈએ તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
એકતા અને સંસ્કૃતિનો સંગમ
આ મહાસંમેલનમાં સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી હતી, જેમાં દ્વિતીય સંતાન ધરાવતા દંપતીઓને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 25,000ની રોકડ સહાય આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવારમાં રહેતી 180 જેટલી મહિલાઓ અને દીકરીઓનું પણ શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગૌરવવંતા ઇતિહાસની ચર્ચાઓ સાથે આ સંમેલન સંપન્ન થયું હતું. સમાજના આગેવાનોના મતે આ આયોજનથી આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય અને સંગઠિત રહેવાની નવી દિશા પ્રાપ્ત થશે.













