રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે ઉત્તરાયણના પવિત્ર પર્વ પર અસામાજિક તત્વોએ આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ ગામની અલગ-અલગ શેરીઓમાં ઘૂસીને જાહેર સંપત્તિને નિશાન બનાવી હતી. આ અસામાજિક તત્વોએ ગામની પીવાના પાણીની પાઈપલાઈન, ગટર લાઇન અને જાહેર રસ્તા પર લોકોના બેસવા માટે રાખવામાં આવેલા બાંકડાઓની નિર્મમ તોડફોડ કરી હતી. આટલું જ નહીં, પોતાનું પાપ છુપાવવા માટે આ તત્વોએ ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષા માટે લગાવવામાં આવેલા ૩ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા અને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
શાંતિ ડહોળવાનો પ્રયાસ
ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન ગામમાં બનેલી આ ઘટનાને પગલે વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાંતિપ્રિય ગામમાં ભયનું વાતાવરણ ઉભું કરવાના ઈરાદે જ આ કૃત્ય કરવામાં આવ્યું છે. તોડફોડની જાણ થતા જ ઉપલેટા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ તપાસવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામજનોએ આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી છે.
