આજકાલ ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એસી હવે વૈભવને બદલે જરૂરિયાત બની ગયું છે. જોકે, બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના એસીમાંથી કયું પસંદ કરવું તે એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે. ખાસ કરીને જ્યારે વાત વીજળીના બિલમાં બચત અને ઠંડકની આવે, ત્યારે 'વિન્ડો એસી' અને 'પોર્ટેબલ એસી' વચ્ચેની પસંદગી ખૂબ મહત્વની બની જાય છે.

1. વિન્ડો એસી: કરકસર અને કાર્યક્ષમતા

જો તમારું મુખ્ય લક્ષ્ય વીજળીના બિલમાં ઘટાડો કરવાનો હોય, તો 'વિન્ડો એસી' સૌથી ઉત્તમ વિકલ્પ છે. વિન્ડો એસીના તમામ ઘટકો (કોમ્પ્રેસર સહિત) એક જ યુનિટમાં હોય છે, જેને બારી અથવા દિવાલમાં ફિટ કરવામાં આવે છે. આ એસીમાં કોમ્પ્રેસર બહારની બાજુ હોવાથી રૂમમાં અવાજ ખૂબ ઓછો આવે છે. જોકે, તેને ઇન્સ્ટોલ કરવા માટે પ્રોફેશનલની મદદ લેવી પડે છે અને તે એકવાર ફીટ થયા પછી ખસેડી શકાતું નથી.

2. પોર્ટેબલ એસી: સુવિધા અને સુગમતા

બીજી તરફ, 'પોર્ટેબલ એસી' એવા લોકો માટે વરદાન સમાન છે જેઓ ભાડાના મકાનમાં રહે છે અથવા વારંવાર સ્થળાંતર કરે છે. આ એસીને કોઈપણ જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે અને તેના માટે કોઈ કાયમી ઇન્સ્ટોલેશનની જરૂર પડતી નથી. તેમાં માત્ર એક વેન્ટિલેશન પાઇપ હોય છે જે બારી દ્વારા ગરમ હવા બહાર કાઢે છે. જોકે, પોર્ટેબલ એસીમાં કોમ્પ્રેસર રૂમની અંદર હોવાથી તે વિન્ડો એસી કરતા ઘણું વધારે ઘોંઘાટ (Noise) કરે છે.

3. જાળવણી અને અન્ય તફાવતો

બંનેના મેન્ટેનન્સમાં પણ મોટો તફાવત છે. પોર્ટેબલ એસીમાં ઠંડક દરમિયાન એકત્રિત થતા પાણીને સાચવવા માટે એક બિલ્ટ-ઇન ટાંકી હોય છે, જેને તમારે નિયમિતપણે જાતે ખાલી કરવી પડે છે. જ્યારે વિન્ડો એસીમાં પાણી પાછળની બાજુથી આપમેળે બહાર નીકળી જાય છે.
નિષ્ણાતોના મતે, જો તમારી પાસે યોગ્ય જગ્યા હોય અને તમે વીજળી બિલમાં લાંબાગાળાની બચત કરવા માંગતા હોવ, તો વિન્ડો એસી શ્રેષ્ઠ છે. પરંતુ, જો તમારી પાસે વિન્ડો ફીટિંગ માટે જગ્યા નથી અથવા તમને એક રૂમમાંથી બીજા રૂમમાં એસી લઈ જવાની સુવિધા જોઈએ છે, તો પોર્ટેબલ એસી પસંદ કરવું જોઈએ. તમારી જરૂરિયાત, બજેટ અને રૂમની સંરચનાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો એ જ સમજદારી છે.

આ પણ વાંચોઃ 1 જૂનથી બદલાઈ રહ્યા છે દેશના નિયમો, UPI થી લઈને બેંકિંગ સુધી થશે આ મોટા ફેરફારો