મની પ્લાન્ટ લગભગ દરેક ઘરમાં જોવા મળતો એક લોકપ્રિય અને આસાનીથી જળવાઈ રહેતો છોડ છે. તેને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમારો મની પ્લાન્ટ લાંબા સમયથી એક જ જગ્યાએ અટકી ગયો હોય, નવા પાંદડા કે વેલા ન ફૂટતા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. પ્રખ્યાત ગાર્ડનિંગ એક્સપર્ટ તરુણ ચોપરાના જણાવ્યા અનુસાર, ઘણી વખત જમીનમાંથી પૂરતા પોષક તત્વો ન મળવાના કારણે છોડનો વિકાસ રોકાઈ જાય છે. યોગ્ય ખાતર અને થોડી સંભાળથી મની પ્લાન્ટને ફરીથી લીલોછમ અને ઘેરાવદાર બનાવી શકાય છે.

મની પ્લાન્ટના ગ્રોથ માટે વાપરો આ હોમમેડ ખાતર

૧. કેળાની છાલનું ખાતર (પોટેશિયમથી ભરપૂર):

કેળાની છાલને કડકડતી સૂકવી, નાના ટુકડા કરી પીસી લો. આ પાવડરમાંથી છોડને ભરપૂર માત્રામાં પોટેશિયમ મળે છે. તે મની પ્લાન્ટના પાંદડાનું કદ મોટા કરવામાં અને તેમનો કુદરતી લીલો રંગ જાળવવામાં મદદ કરે છે.

૨. ચાના પાનનું ખાતર (નાઇટ્રોજનનો સ્ત્રોત):

વપરાયેલી ચાની પત્તી નાઇટ્રોજનનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાંદડાના વિકાસ અને જાડાઈ માટે જરૂરી છે. વપરાયેલી પત્તીને બરાબર ધોઈને સુકવ્યા પછી જ જમીનમાં ઉમેરવી. ધ્યાન રાખવું કે ખાંડ કે દૂધવાળી પત્તી સીધી ન નાખવી, નહીંતર ફૂગ (Fungus) લાગી શકે છે.

૩. વર્મીકમ્પોસ્ટ (કુદરતી પોષણ):

મની પ્લાન્ટ માટે વર્મીકમ્પોસ્ટ અત્યંત ઉપયોગી છે. ૧૨ ઇંચના કુંડા માટે એક મુઠ્ઠી વર્મીકમ્પોસ્ટ પૂરતું છે. દર ૩૦ થી ૪૦ દિવસે જમીનમાં વર્મીકમ્પોસ્ટ ઉમેરવાની સલાહ આપવામાં આવે છે.

૪. એપ્સમ સોલ્ટ (ગ્રીનરી અને ગ્લો માટે):

એપ્સમ મીઠામાં મેગ્નેશિયમ અને સલ્ફર હોય છે. ૧ લીટર પાણીમાં ૫ ગ્રામ એપ્સમ સોલ્ટ ઓગાળીને પાંદડા પર સ્પ્રે કરો અથવા થોડું પાણી માટીમાં નાખો. તેનાથી પાંદડા ચમકદાર બનશે.

૫. કેલ્શિયમ માટે સરળ ઘરગથ્થુ ઉપાયો:

મૂળ અને પાંદડાની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે. આ માટે પાણીમાં થોડી છાશ ભેળવીને મૂળમાં નાખી શકાય છે. અથવા ઈંડા બાફ્યા પછી વધેલું ઠંડુ પાણી પણ છોડ માટે શ્રેષ્ઠ કેલ્શિયમ ટોનિક તરીકે કામ કરે છે.

મની પ્લાન્ટમાં આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો

મની પ્લાન્ટનો છોડ તમે ઘર અને બહાર બંને જગ્યા પર રાખી શકો છો. ઘરની આર્થિક સમૃદ્ધિ વધારના આ છોડ રાખવાને શુભ માનવામાં આવે છે. એટલે જ તેની કાળજી પણ રાખવી જરૂરી છે. મની પ્લાન્ટનો છોડને ક્યારેય તદ્દન સૂકી માટીમાં ખાતર ન આપવું. માટીને હળવી ભીની કર્યા પછી જ ખાતર નાખવું. આ છોડમાં ઓવર-વોટરિંગથી બચો. છોડને લીલોછમ કરવા જતાં વધુ પડતું પાણી આપવાથી મૂળ સડી શકે છે. કુંડાની નીચેની ટ્રેમાં એકઠું થયેલું વધારાનું પાણી તરત જ કાઢી નાખો. છોડને યોગ્ય સૂર્યપ્રકાશ મળે તે જરૂરી છે. મની પ્લાન્ટને ક્યારેય તીવ્ર કે સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવો. તેને પરોક્ષ અને મધ્યમ પ્રકાશ મળે તેવી જગ્યાએ મૂકો. જો પાંદડા પર ધૂળ જામી જાય તો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડી જાય છે. તેથી અઠવાડિયામાં એકવાર પાંદડાને સાફ પાણીથી હળવા હાથે સાફ કરો. આ નાની-નાની બાબતોની કાળજી રાખીને તમે તમારા મની પ્લાન્ટને ખૂબ જ ઝડપથી ઘેરાવદાર અને ચમકદાર બનાવી શકો છો.


આ પણ વાંચો : Homemade Alovera Gel : મોંઘી પ્રોડક્ટ છોડો, ત્વચા અને સુંદર વાળ માટે બેસ્ટ છે એલોવેરા જેલ, ઘરે જ બનશે