ત્વચાની સુંદરતા વધારવી હોય કે વાળને મજબૂત અને ચમકદાર બનાવવા હોય, એલોવેરા જેલ બ્યુટી કેરનો મહત્વનો ભાગ છે. બજારમાં મળતી પેકેજ્ડ જેલમાં કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ અને કૃત્રિમ રંગો હોય છે. જો તમારા ઘરે એલોવેરાનો છોડ હોય તો તમે ખૂબ જ સરળતાથી ઘરે જ પ્યોર જેલ બનાવી શકો છો. જોકે, જેલ કાઢતી વખતે તેમાંથી નીકળતા પીળા ઝેરી પદાર્થને દૂર કરવો ખૂબ જ જરૂરી છે, જેથી ત્વચા પર એલર્જી કે ખંજવાળ ન થાય.

ઘરે બનતી એલોવેરા જેલ માટે સામગ્રી

બજારની પ્રોડક્ટમાં કેમિકલ હોય છે. તમે ઘરે જ કેમિકલ ફ્રી બ્યુટી પ્રોડક્ટ બનાવી શકો છો. ત્વચા અને વાળમાં અનેક રીતે એલોવેરા જેલ ઘરે બનાવવા તાજા એલોવેરાના પાન ૨ થી ૩ (જાડા અને સંપૂર્ણ પાકેલા), 2- વિટામિન E કેપ્સ્યુલ, 1 ચમચી ગુલાબજળ અથવા લીંબુનો રસ, 1 નાની કાચની એરટાઈટ બરણીની જરૂર પડશે. સૌપ્રથમ કુવાંરપાઠાના છોડના તળિયેથી ૨-૩ જાડા પાંદડાં કાપી લો. આ પાંદડાંને ૧૫ થી ૨૦ મિનિટ સુધી કોઈ વાસણમાં ઊભા (સીધા) રાખી મૂકો. આમ કરવાથી પાંદડામાંથી નીકળતો પીળો, કડવો અને ઝેરી પ્રવાહી (લેટેક્સ) સંપૂર્ણપણે બહાર નીકળી જશે. ત્યારબાદ પાંદડાંને સ્વચ્છ પાણીથી ધોઈને કપડાથી લૂછી લો.

પાંદડામાંથી જેલ કાઢવાની સરળ ટેકનિક

સૌપ્રથમ છરીની મદદથી પાંદડાની બંને બાજુના કાંટાવાળા ભાગને કાપીને અલગ કરો. હવે પાંદડાની ઉપરની લીલી છાલને પાતળી છોલી લો. ત્યારબાદ એક ચમચી લો અને તેને એલોવેરા પર મૂકીને નીચેની તરફ ઉઝરડો (સ્ક્રેપ કરો). આ ટ્રીકથી પાંદડામાંથી મોટી માત્રામાં જેલ ખૂબ જ સરળતાથી બાઉલમાં એકઠી થઈ જશે.

જેલ મિક્સ કરવાની અને સ્ટોર કરવાની પદ્ધતિ

બાઉલમાં કાઢેલા જેલને મિક્સર જારમાં લો. તેમાં ૨ વિટામિન E કેપ્સ્યુલનું તેલ અને ૧ ચમચી ગુલાબજળ કે લીંબુનો રસ ઉમેરો. તેને ૧૦ થી ૧૫ સેકન્ડ માટે બ્લેન્ડ કરી લો. વિટામિન E અને લીંબુનો રસ જેલને લાંબા સમય સુધી બગડવા દેતા નથી. તૈયાર થયેલી સ્મૂધ જેલને કાચની એરટાઈટ બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો. આ કુદરતી જેલનો ઉપયોગ તમે ૧ મહિના સુધી કરી શકો છો.

વાળ અને ત્વચા માટે એલોવેરાના ફાયદા

એલોવેરા જેલમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને ઉંડાણપૂર્વક હાઇડ્રેટ કરીને કુદરતી ગ્લો આપે છે તથા ખીલ અને કરચલીઓની સમસ્યા ઘટાડે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ટેનિંગ અને ડાગ-ધબ્બા ઓછા કરવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. વાળ માટે એલોવેરા કુદરતી કંડિશનર તરીકે કામ કરે છે, જે ખોડો દૂર કરીને વાળના મૂળને મજબૂત બનાવે છે. તેના નિયમિત ઉપયોગથી વાળ ખરતા અટકે છે અને વાળ વધુ સોફ્ટ, ચમકદાર તેમજ સિલ્કી બને છે.


આ પણ વાંચો : Beauty Tips: વારંવાર લિપસ્ટીક લગાવતા કાળા પડેલા હોઠ ગુલાબની પાંખડી જેવા સુંદર થશે, ફેમસ બ્યુટીશિયન આપી ટીપ્સ