ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પર્વતો લીલાછમ બની જાય છે અને વાતાવરણમાં એક અનોખી ઠંડક પ્રસરી જાય છે. આ કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓ હંમેશા ઉત્સુક હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ જિજ્ઞાસા તમારા માટે મુસીબતનું કારણ બની શકે છે? ખાસ કરીને પહાડી વિસ્તારો અને નદીકાંઠાના પ્રદેશોમાં ચોમાસું ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. ભૂસ્ખલન (Landslide), પૂર, વાદળ ફાટવા અને રસ્તાઓ ધોવાઈ જવા જેવી ઘટનાઓ ચોમાસામાં સામાન્ય બની ગઈ છે.


આટલા જોખમી સ્થળોએ પ્રવાસ ન કરો

ઉત્તરાખંડ (મસૂરી, નૈનિતાલ, કેદારનાથ): ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો ચોમાસામાં અત્યંત જોખમી બની જાય છે. અહીં વારંવાર ભૂસ્ખલન થવાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને પ્રવાસીઓ ફસાઈ જાય છે. મસૂરી, નૈનિતાલ, બદ્રીનાથ અને જોશીમઠ જેવા સ્થળોએ મુલાકાત લેવાનું આ ઋતુમાં ટાળવું જોઈએ.

હિમાચલ પ્રદેશ (કુલ્લુ-મનાલી): કુલ્લુ અને મનાલી જેવા લોકપ્રિય હિલ સ્ટેશનોમાં પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ દર વર્ષે સેંકડો લોકો માટે મુસીબત નોતરે છે. અહીં પહાડોનો કાટમાળ રસ્તાઓ પર આવી જવાથી પ્રવાસ અટકી પડે છે.

દાર્જિલિંગ: પશ્ચિમ બંગાળનું આ સુંદર હિલ સ્ટેશન ચોમાસામાં ખતરાની ઘંટડી સમાન છે. અહીંની તિસ્તા નદીનું રૌદ્ર સ્વરૂપ રસ્તાઓ અને પુલને વહાવી દે છે, જેનાથી પ્રવાસીઓ ફસાઈ જવાની પૂરી શક્યતા રહે છે.

કેરળ (વાયનાડ): કેરળના પેરિયાર, પંબા અને કાબિની જેવી નદીઓ ચોમાસામાં છલકાઈને પૂર લાવે છે. વાયનાડ જેવા વિસ્તારોમાં તોફાન અને પૂરનું જોખમ રહેલું છે, તેથી અહીં ફરવા જવાનું અત્યંત જોખમી છે.

ઉત્તર-પૂર્વીય રાજ્યો અને દરિયાકાંઠો: આસામ અને અરુણાચલ પ્રદેશમાં પૂરનું ભયાનક જોખમ હોય છે. આ ઉપરાંત, મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરોમાં પણ ભારે વરસાદ દરમિયાન મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચોઃ Homemade Neem Face Wash:કેમિકલ યુક્ત ફેસવોશને કહો અલવિદા! ઘરે બનાવો લીમડાનું કુદરતી ફેસવોશ

  • Follow us on: