આજે મહિલાઓ હોય કે પુરુષ યુવાન દેખાવાની ઇચ્છા રાખે છે. પરંતુ વધતી ઉંમરે તેમની ત્વચા ઢીલી પડવા લાગે છે. ઉંમર સાથે ત્વચામાં આવતું ઢીલાપણું દૂર કરવા વિવિધ ઉપાય કરે છે. આપણો આહાર આપણી ત્વચા પર ઊંડી અસર કરે છે. ત્વચાને મુલાયમ, ચુસ્ત અને યુવાન રાખવા માટે 'કોલેજન' (Collagen) નામનું પ્રોટીન સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણું શરીર કુદરતી રીતે કોલેજન બનાવે છે, પરંતુ વધતી ઉંમર, પ્રદૂષણ, તણાવ અને નબળી જીવનશૈલીના કારણે તેનું ઉત્પાદન ધીમું પડી જાય છે. ત્વચા ટાઈટ કરવા અને કોલેજન બનાવવા આ સુપરફ્રૂટસ બેસ્ટ છે. આ ફળો તમારી ત્વચાને અંદરથી રિચાર્જ કરશે.
મોંઘી ક્રીમ નહીં કુદરીતી ત્વચાની કરચલી દૂર કરો
સુંદર, ચુસ્ત અને ચમકતી ત્વચા મોંઘી ક્રીમ કે બ્યુટી પ્રોડક્ટ્સથી નહીં, પરંતુ તમારી પ્લેટમાં રહેલા પોષક તત્વોથી આવે છે. નારંગી સહિત એવા કેટલાક ફળો છે જેમાં સીધું કોલેજન નથી હોતું, પરંતુ તેમાં રહેલા વિટામિન સી, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટ શરીરને કુદરતી રીતે કોલેજન બનાવવામાં મદદ કરે છે. ઉંમર સાથે ઢીલી પડતી ત્વચા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી પણ જરૂરી છે. પોતાના દૈનિક આહારમાં તમે કોલેજન વધારનાર આ સુપરફ્રૂટસ ઉપરાંત પૌષ્ટીક ખોરાકને આહારમાં સામેલ કરો.
ત્વચામાં કોલેજન વધારનાર કુદરતી સુપરફ્રૂટસ
નારંગી : કોલેજનનો પાવરહાઉસ
કોલેજન વધારવાની બાબતમાં નારંગી અજોડ છે. વિટામિન સી એક એવા સ્પાર્ક તરીકે કામ કરે છે જે આપણે ખાધેલા ખોરાકમાંથી એમિનો એસિડને કોલેજન ફાઇબરમાં રૂપોંતરિત કરે છે. ૧ મધ્યમ કદનું નારંગીમાં આશરે ૭૦ મિલિગ્રામ વિટામિન સી છે. તે વિટામિન સીની દૈનિક જરૂરિયાતના ૭૦% થી ૧૦૦% પૂરી પાડે છે, જે કોલેજન ઉત્પાદન માટે અનિવાર્ય છે.
કિવી : નારંગી કરતાં પણ વધુ અસરકારક
નાનકડા દેખાતા કીવીમાં નારંગી કરતાં પણ વધુ વિટામિન સી હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન ઈ અને અસંખ્ય એન્ટીઑકિસડન્ટનો ડબલ ડોઝ હોય છે. 1 કીવીમાં આશરે ૬૪ મિલિગ્રામ વિટામિન સી છે. દિવસમાં માત્ર બે કીવી (૧૨૮ મિલિગ્રામ વિટામિન સી) ખાવાથી કોલેજન બનાવતા ઉત્સેચકો સક્રિય રહે છે અને ત્વચા સૂર્યના હાનિકારક યુવી (UV) કિરણોથી બચે છે.
સ્ટ્રોબેરી : ત્વચા માટે કુદરતી વરદાન
દેખાવમાં સુંદર અને સ્વાદમાં ખાટી-મીઠી સ્ટ્રોબેરી એન્ટીએજિંગ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે ત્વચામાં રહેલા જૂના કોલેજનનું રક્ષણ કરે છે અને નવું બનાવવામાં મદદ કરે છે. ૧ કપ સમારેલી સ્ટ્રોબેરીમાં આશરે ૮૯-૯૦ મિલિગ્રામ વિટામિન સી છે. તે ત્વચાના કોષોને નુકસાન થતા અટકાવે છે અને ચહેરાની ચમક વધારે છે.
પપૈયું : પાચન અને ત્વચા બંને માટે બેસ્ટ
પપૈયામાં વિટામિન સીની સાથે 'પપૈન' (Papain) નામનું ખાસ એન્ઝાઇમ હોય છે. તે પાચનતંત્ર સુધારે છે અને ત્વચાની બળતરા કે લાલાશ (Inflammation) ઘટાડે છે. ૧ કપ પપૈયું = આશરે ૮૮ મિલિગ્રામ વિટામિન સી. પપૈયામાં રહેલું બીટા-કેરોટીન કોલેજનને તૂટતું (ભંગાણ થતું) અટકાવે છે, જેથી ત્વચા લાંબો સમય ટાઈટ રહે છે.
બેરીઝ : એન્ટીએજિંગ કવચ
આ બેરીઝમાં વિટામિન સી મધ્યમ માત્રામાં હોય છે, પરંતુ તેમની ખરી શક્તિ તેમાં રહેલા 'એન્થોસાયનિન' નામના ઘેરા રંગદ્રવ્ય (પિગમેન્ટ) માં છે. ૧ કપ બ્લુબેરીમાં આશરે ૧૪ મિલિગ્રામ | ૧ કપ બ્લેકબેરીમાં આશરે ૩૦ મિલિગ્રામ વિટામિન સી છે. આ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ફ્રી રેડિકલ્સ સામે લડીને Skin Saggingને અટકાવે છે અને ચહેરાની કડકતા જાળવી રાખે છે.