યુવતીઓ સોશિયલ મીડિયામાં થતી જાહેરાતોના ચક્કરમાં ફસાઈ મોંઘી બ્યુટી પ્રોડકટનો ઉપયોગ કરે છે. આ બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ હોવાથી તે કયારેક એલર્જી પણ કરે છે. આ પ્રોડક્ટમાં કયા કેમિકલનો ઉપયોગ થયો છે તેનાથી યુવતીઓ અજાણ હોય છે. તેમાં રહેલ કોઈ વસ્તુની એલર્જી થતા ત્વચા પર લાલાશ અને ખંજવાળ આવે છે. અને આ સમસ્યા દૂર કરવા આખરે સ્કીન સ્પેશિયાલિસ્ટની મુલાકાત લેવી પડે છે. આમ, બ્યુટી પ્રોડક્ટથી સુંદરતા વધારવાનો નુસખો ભારે પડે છે.
કેમિકલયુક્ત પ્રોડક્ટને બાય..બાય કહો
ત્વચા અને વાળની સુંદરતા વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. લોકોનો આકર્ષક દેખાવ હોવો તે ફક્ત કોલેજના યુવાનો જ નહીં ઓફિસ જતા લોકો પણ ઇચ્છા રાખે છે. ત્વચા અને વાળ સ્વસ્થ રાખવા બ્યુટી પ્રોડ્કટના બદલે કુદરતી વસ્તુઓનો વધુ ફાયદાકારક છે. કારણ કે કુદરતી ઉપચારથી કોઈ એલર્જી થવાની સંભાવના ઓછી રહે છે. ત્વચા અને વાળની સુંદરતા વધારવા રોજિંદા વપરાશમાંથી કેમિકલયુક્ત પ્રોડક્ટને બાય..બાય કહો અને ઘરે આ કુદરતી ઉપચાર ટ્રાય કરો. કારણ કે કુદરતી વસ્તુઓ તમારી ત્વચા, સ્વાસ્થ્ય અને વાળને સૌમ્ય રીતે ફાયદો કરે છે.
ત્વચા અને વાળ માટે કરો આ કુદરતી ઉપચાર
વાળને નરમ બનાવવા નાળિયેર તેલ, ઓલિવ તેલ, એરંડા તેલ અને બદામ તેલ બેસ્ટ છે.
મુલતાની માટી : ત્વચા અને વાળ બંને માટે મુલતાની માટી ફાયદાકારક છે. મુલતાની માટી એક કુદરતી ઘટક છે. મુલતાની માટી ચહેરા પર લગાવવાથી ખીલ ડાઘ દૂર થાય છે અને ત્વચાનો રંગ સુધરે છે જયારે આ માટીથી વાળ ધોવામાં આવે તો તે નરમ અને મુલાયમ બને છે. પહેલાના સમયમાં લોકો મુલતાની માટીનો વાળ ધોવા ઉપયોગ કરતા હતા.
એલોવેરા બેસ્ટ હોમરેમેડી : એલોવેરા શારીરિક સ્વાસ્થય માટે અનેક રીતે ફાયદાકારક છે. ચહેરો હોય કે વાળ... એલોવેરા બંનેના સ્વાસ્થ્યને સુધારવા માટે એક અદ્ભુત કુદરતી ઘટક છે અને તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ છે. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને વાળ માટે પણ ઘણા ફાયદા ધરાવે છે. એલોવેરાનો જયુસ પણ અનેક બીમારીઓમં રાહત આપે છે.
કપૂર, ત્વચા અને વાળ માટે ફાયદાકારક
ઘરે પૂજામાં વપરાતો કપૂર ખોપરી ઉપરની ચામડીના ચેપ, જૂ અને નિટ્સ ઘટાડે છે, અને ત્વચા પર ખંજવાળ, ખીલ અને ફોલ્લીઓથી પણ રાહત આપે છે. તે ત્વચાને સાફ કરે છે અને રંગ સુધારે છે, પરંતુ ત્વચા પર કપૂરનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. પહેલા પેચ ટેસ્ટ કરો. નાળિયેર તેલમાં ભેળવીને કપૂર લગાવવું વધુ સારું છે.