આજકાલ બદલાતી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને વધુ પડતા તણાવ (Stress) ને કારણે બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધુ કે ઓછું થવું એ સ્વાસ્થ્ય માટે ગંભીર સંકેત છે. હાઈ બીપીને 'સાયલન્ટ કિલર' કહેવામાં આવે છે, કારણ કે શરૂઆતમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ તે અંદરથી હૃદય, મગજ, કિડની અને આંખોને ગંભીર નુકસાન પહોંચાડે છે.

પુખ્તવયના લોકોમાં બ્લડ પ્રેશરનું ગણિત સમજો

નિષ્ણાતોના મતે, ઉંમર અને અન્ય બીમારીઓના આધારે રીડિંગમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ સામાન્ય માપદંડ નીચે મુજબ છે. સામાન્ય માણસમાં 120/80 mmHg. જેમાં ઉપરનું (સિસ્ટોલિક) ૧૨૦ થી ઓછું અને નીચેનું (ડાયસ્ટોલિક) ૮૦ થી ઓછું હોવું આદર્શ માનવામાં આવે છે. જો રીડિંગ સતત 130/80 mmHg કે તેથી વધુ રહે, તો તે હાઈ બ્લડ પ્રેશરની શરૂઆત છે. સતત 140/90 mmHg કે તેથી વધુ રીડિંગ રહેવું એ હાઈ બીપીની ગંભીર સ્થિતિ દર્શાવે છે. જો રીડિંગ 90/60 mmHg થી નીચે જાય અને ચક્કર, નબળાઈ કે ઝાંખું દેખાવા જેવા લક્ષણો હોય, તો તે લો બીપી છે.

બ્લડ પ્રેશર સમસ્યામાં ડૉક્ટરનો કયારે કરવો સંપર્ક

ગર્ભાવસ્થા, ડાયાબિટીસ, હૃદય રોગ કે કિડનીની બીમારી ધરાવતા લોકોએ નિયમિતપણે બીપી ચેક કરાવવું જોઈએ. જો તમારું બીપી સતત 140/90 mmHg કે તેથી વધુ નોંધાતું હોય, નિયમિત દવાઓ લેવા છતાં પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન આવતું હોય તેમજ વારંવાર ચક્કર આવવા, નબળાઈ લાગવી કે બેભાન થઈ જવા જેવી સમસ્યા થતી હોય. આ સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નિયમિત તપાસ અને તણાવમુક્ત હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ જોખમોથી બચી શકાય છે. 

બીપીની સમસ્યામાં હોસ્પિટલનું જોખમ

જો બ્લડ પ્રેશર 180/120 mmHg કે તેનાથી વધુ થઈ જાય, તો તેને 'મેડિકલ કટોકટી' (Medical Emergency) ગણવામાં આવે છે. જો બીપી વધવાની સાથે શરીરમાં આ લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. છાતીમાં અસહ્ય દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ થવી. અચાનક તીવ્ર માથાનો દુખાવો કે આંખે ઝાંખપ આવવી. બોલવામાં અચકાટ થવો અથવા શરીરના કોઈ ભાગમાં નબળાઈ કે સુન્નતા આવી. આ સ્થિતિમાં સામાન્ય વ્યક્તિની બીપીની સમસ્યા વધુ ગંભીર થવાથી હોસ્પિટલમાં દાખલ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો : Brain Health: મગજને આજીવન રાખવું છે શાર્પ અને એક્ટિવ? અપનાવો WHOની આ અદ્ભુત લાઈફસ્ટાઈલ ટિપ્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )