ભારતમાં અનેક રહસ્યમય અને અદભુત સ્થળો આવેલા છે, પરંતુ મણિપુરના લોકટક તળાવ પર આવેલું એક ગામ દુનિયાભરમાં સૌથી અલગ અને આશ્ચર્યજનક માનવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં પગ મુકતી વખતે જમીન ધ્રુજતી હોય તેવું લાગે છે, જાણે તમે પાણીની ઉપર બનેલા કોઈ કુદરતી સ્પોન્જી ગાદલા કે સાદડી પર ઊભા હોવ.
તળાવ પર તરતું આખું ગામ
સામાન્ય રીતે આપણે પાણી પર તરતી હોડીઓ અને તેના પર બનેલા ઘરો જોયા હશે, પરંતુ મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં આવેલું 'ચંપુ ખાંગપોક' નામનું ગામ જમીન જેવું દેખાય છે છતાં તે વાસ્તવમાં કોઈ મજબૂત જમીન નથી. આ સ્થાનને 'ફુમડી' કહેવામાં આવે છે, જે પાણીની ઉપર માટી, સડી ગયેલી વનસ્પતિ અને કાર્બનિક પદાર્થોના વિઘટનથી બનેલા મોટા ગઠ્ઠા છે. આ ફુમડીઓ એટલી મજબૂત હોય છે કે સ્થાનિક લોકો તેના પર પોતાના પાકા અને કાચા ઘરો બનાવીને કાયમી વસવાટ કરે છે.
https://www.instagram.com/p/CqFT8QCv_4j/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==
'મેઈતેઈ' સમુદાયના લોકો વસે છે ગામમાં
આ ગામમાં મુખ્યત્વે 'મેઈતેઈ' સમુદાયના લોકો રહે છે. પાણીનું સ્તર ઘટવા કે વધવા અથવા પવન અને પાણીના પ્રવાહને કારણે આ ફુમડીઓ ધીમે-ધીમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસતી રહે છે, જેના કારણે ક્યારેક લોકોના ઘરોનું સ્થાન પણ બદલાઈ જાય છે. અહીંના રહેવાસીઓ આ અનોખા વાતાવરણમાં સંપૂર્ણપણે અનુકૂળ થઈ ગયા છે. ગામમાં લોકોની આજીવિકા માટે માછીમારી મુખ્ય વ્યવસાય છે. માત્ર રહેણાંક ઘર જ નહીં, પરંતુ બાળકો માટે એક શાળા, સમુદાય હોલ અને સૌર લાઇટિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે. મુસાફરી કરવા માટે લોકો લાકડાની નાવડીઓનો ઉપયોગ કરે છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
આ લોકટક તળાવની વધુ એક વિશેષતા એ છે કે અહીં વિશ્વનો એકમાત્ર 'તરતો રાષ્ટ્રીય ઉદ્યાન' (કીબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન) આવેલો છે. આ ઉદ્યાનમાં અત્યંત દુર્લભ અને મણિપુરનું રાજ્ય પ્રાણી ગણાતું 'સંગાઈ' (નાચતું હરણ) જોવા મળે છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
ત્યાં કેવી રીતે પહોંચવું?
જો તમે આ અનોખા તરતા ગામની મુલાકાત લેવા માંગતા હોવ, તો ઓક્ટોબર મહિનો સૌથી ઉત્તમ સમય ગણાય છે કારણ કે ચોમાસું પૂરું થયા પછી પાણીનું સ્તર ઘટી જાય છે અને હરિયાળી ચરમસીમાએ હોય છે. અહીં પહોંચવા માટે તમે ઇમ્ફાલના બીર ટિકેન્દ્રજીત આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉડાન ભરી શકો છો અથવા દિમાપુર સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકો છો. આ સ્થળોથી તળાવના કિનારે આવેલા મોઇરાંગ અથવા થાંગા પહોંચવા માટે ખાનગી કે શેર ટેક્સી સરળતાથી મળી જાય છે. તળાવ કિનારેથી પરંપરાગત બોટ (નાવડી) દ્વારા તમે ચંપુ ખાંગપોક ગામ સુધી પહોંચી શકો છો.
આ પણ વાંચોઃ Telangana: મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો અમેરિકા પ્રવાસ રદ્દ, કેન્દ્ર સરકારે મંજૂરી નકારી