ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલ, 2026 થી થઈ ચૂક્યો છે. યમુનોત્રી અને ગંગોત્રીના દ્વાર ભક્તો માટે ખૂલી ગયા છે, જ્યારે કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર પણ ટૂંક સમયમાં ખુલશે. જો તમે પહેલીવાર આ યાત્રા પર જઈ રહ્યા છો, તો હિમાલયના ઊંચા પર્વતો અને બદલાતા હવામાન વચ્ચે તમારી સફરને સફળ બનાવવા માટે યોગ્ય આયોજન અનિવાર્ય છે.
યાત્રાનો સાચો માર્ગ અને ક્રમ
ધાર્મિક પરંપરા અનુસાર, આ યાત્રા પશ્ચિમથી પૂર્વ દિશા તરફ કરવામાં આવે છે. સૌથી પહેલા યમુનોત્રી, ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવાનો ક્રમ શુભ માનવામાં આવે છે. આ ક્રમ જાળવવાથી ભૌગોલિક રીતે પણ ઊંચાઈ સાથે અનુકૂલન સાધવામાં સરળતા રહે છે.
આવશ્યક ચીજવસ્તુઓનું પેકિંગ
પર્વતોમાં હવામાન સેકન્ડોમાં બદલાય છે, તેથી તમારું બેગ પેકિંગ સ્માર્ટ હોવું જોઈએ:
કપડાં: હળવા ગરમ કપડાં, જેકેટ, થર્મલ અને રેઈનકોટ (પોંચો) ચોક્કસ સાથે રાખો.
ફૂટવેર: ટ્રેકિંગ માટે મજબૂત પકડવાળા 'ગ્રીપ શૂઝ' હોવા જરૂરી છે.
દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ: શરદી, તાવ, ઊંચાઈ પર થતી ઉબકા (Motion Sickness) ની દવાઓ, પાવર બેંક અને ફ્લેશલાઈટ સાથે રાખો.
એક મહિના પહેલાથી ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરો
કેદારનાથ જેવા ધામ માટે 16 થી 18 કિમીનું કઠિન ટ્રેકિંગ કરવું પડે છે. યાત્રાના એક મહિના પહેલાથી ચાલવાની પ્રેક્ટિસ અને પ્રાણાયામ શરૂ કરો. પહાડો પર ઓક્સિજન ઓછો હોય છે, તેથી ઉતાવળ કરવાને બદલે ધીમે ધીમે ચાલો અને સતત પાણી પીતા રહી પોતાને હાઇડ્રેટેડ રાખો. જો હૃદય કે શ્વાસની બીમારી હોય, તો ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ અને સલાહ અવશ્ય લો.
નોંધણી અને બુકિંગ (Registration)
સરકાર દ્વારા યાત્રા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન નોંધણી ફરજિયાત છે. ભીડથી બચવા માટે હોટલ, હેલિકોપ્ટર સેવા કે પાલખીનું બુકિંગ અગાઉથી કરી લેવું હિતાવહ છે. એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બર-ઓક્ટોબર આ યાત્રા માટે શ્રેષ્ઠ સમય છે.
પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિનો આદર
હિમાલયની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને કચરો નિર્ધારિત સ્થળે જ નાખો. સ્થાનિક રીત-રિવાજોનું પાલન કરો અને બને ત્યાં સુધી જૂથમાં મુસાફરી કરો, જે સુરક્ષાની દૃષ્ટિએ વધુ સારું છે. આ આધ્યાત્મિક યાત્રા માત્ર દર્શન પૂરતી મર્યાદિત નથી, પણ તે આત્મિક શાંતિનો અનુભવ છે. યોગ્ય પૂર્વતૈયારી તમારી આ સફરને જીવનભરનું સંભારણું બનાવી દેશે.
આ પણ વાંચોઃ Weight Loss માટે ગ્રીન ટી કે બ્લેક ટી, શું શ્રેષ્ઠ, જાણો કારણ