દિવાળીનો તહેવાર રોશની, મીઠાઈઓ અને ઉલ્લાસથી ભરેલો હોય છે. લોકો આ પર્વ પર દીવા પ્રગટાવીને અને ફટાકડા ફોડીને પોતાની આનંદ વ્યક્ત કરે છે. પરંતુ આ ઉજવણી દરમિયાન ઘણીવાર અકસ્માતે ત્વચા દાઝી જવાની ઘટનાઓ સામે આવે છે. સામાન્ય રીતે ભારતીય ઘરોમાં દાઝી જવા પર તુરંત જ ટૂથપેસ્ટ, ઘી, બરફ કે તેલ લગાવવાનો ઘરેલુ નુસખો અપનાવવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આવી વસ્તુઓ લગાવવાથી ત્વચાની બળતરા ઘટી જવાના બદલે વધુ ઉગ્ર અને ખતરનાક બની શકે છે.

પહેલા તો પ્રાથમિક સારવાર કરવી યોગ્ય

ડોક્ટરના મતે જો દિવાળી દરમિયાન ફટાકડા, દીવા કે ગરમ તેલથી ત્વચા દાઝી જાય, તો સૌથી મહત્વની બાબત તાત્કાલિક સાચી પ્રાથમિક સારવાર (First Aid) આપવાની છે. આવી સ્થિતિમાં સૌપ્રથમ ઈજાગ્રસ્ત વ્યક્તિને આગ અને ગરમીથી દૂર કરવી જોઈએ. ત્યારબાદ દાઝી ગયેલા ભાગ પર તરત જ આશરે ૨૦ મિનિટ સુધી સામાન્ય ઠંડુ વહેતું પાણી નાખવું જોઈએ. આ પ્રક્રિયા ત્વચામાં જમા થયેલી ગરમીને બહાર કાઢવામાં, પીડા ઓછી કરવામાં અને ઈજાને ઊંડી જતાં અટકાવવામાં મદદ કરે છે.

વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી યોગ્ય

પાણી રેડ્યા પછી દાઝી ગયેલી સપાટીને સ્વચ્છ, ઢીલા અને ન ચોંટે તેવા કપડાથી ઢાંકી દેવી જોઈએ. જો ઈજા હાથ પર થઈ હોય તો સોજો આવે તે પહેલાં વીંટી, ઘડિયાળ કે ઘરેણાં ઉતારી લેવાં જોઈએ. જોકે, જો કપડું ત્વચા પર ચોંટી ગયું હોય, તો તેને ખેંચીને કાઢવાનો પ્રયાસ ન કરવો. નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે દાઝી ગયેલી ત્વચા પર ક્યારેય પણ ટૂથપેસ્ટ, બરફ, ઘી કે અન્ય મલમ ન લગાવવા તેમજ પડેલા ફોલ્લાને ફોડવા નહીં. જો ઈજા ઊંડી હોય, ચહેરો કે હાથ-પગ પ્રભાવિત થયા હોય અથવા બાળક દાઝી ગયું હોય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી કે હોસ્પિટલ પહોંચવું.

સાવચેતી રાખવી જ શ્રેષ્ઠ ઉપાય

દિવાળી પર સાવચેતી જ શ્રેષ્ઠ બચાવ છે. ફટાકડા ફોડતી વખતે સરળતાથી આગ પકડી લે તેવા રેશમી કે સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને સુતરાઉ કપડાં જ પસંદ કરવાં. આ ઉપરાંત નજીકમાં પાણીથી ભરેલી બે ડોલ અચૂક રાખવી. બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોની દેખરેખ હોવી અનિવાર્ય છે. મહિલાઓએ દીવા કે મીણબત્તી સળગાવતી વખતે વાળ વ્યવસ્થિત બાંધવા અને કપડાં સંભાળવા જેથી કોઈ મોટી દુર્ઘટના અટકાવી શકાય.

આ પણ વાંચોઃ દિવાળીમાં વધુ મીઠાઇ ખાઇ લીધી છે આ ઉપાયથી નહીં થાય પ્રોબ્લેમ