મહિલાઓમાં સુંદર અને લાંબા વાળ તેમની સુંદરતા અને આત્મવિશ્વાસનો મહત્વનો હિસ્સો ગણાય છે. પરંતુ વધતી ઉંમર સાથે ઘણી મહિલાઓને અનુભવ થાય છે કે તેમના વાળનો વિકાસ (Hair Growth) ધીમો પડી ગયો છે અથવા ચોક્કસ લંબાઈ પછી વાળ વધવાનું અટકી ગયું છે.
કઈ ઉંમરે ઘટે છે વાળનો ગ્રોથ
વૈજ્ઞાનિક રીતે, વાળ વધવા માટે કોઈ એક ચોક્કસ ઉંમર "પૂર્ણ વિરામ" નથી. સામાન્ય રીતે 40 થી 50 વર્ષની ઉંમર પછી અથવા મેનોપોઝ (Menopause) ના તબક્કા દરમિયાન મહિલાઓમાં વાળના વિકાસની ઝડપ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આપણા વાળનો વિકાસ ત્રણ મુખ્ય તબક્કામાં થાય છે: એનાજેન (Anagen - ગ્રોથ ફેઝ), કેટાજેન (Catagen - ટ્રાન્સિશન ફેઝ) અને ટેલોજેન (Telogen - રેસ્ટિંગ ફેઝ). નાની ઉંમરે એનાજેન ફેઝ 2 થી 7 વર્ષ સુધી ચાલે છે. પરંતુ 40-50 વર્ષની ઉંમર પછી આ ગ્રોથ ફેઝ ટૂંકો થઈ જાય છે, જેથી વાળ લાંબા થવા પૂર્વે જ ખરી પડે છે.
વાળનો ગ્રોથ ધીમો થવાના મુખ્ય કારણો
હોર્મોનલ ફેરફારો: મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં 'ઈસ્ટ્રોજન' અને 'પ્રોજેસ્ટેરોન' હોર્મોન્સનું સ્તર ઘટે છે. આ હોર્મોન્સ વાળને લાંબા અને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનું સ્તર ઘટવાથી 'એન્ડ્રોજન' (પુરુષ હોર્મોન) ની અસર વધે છે, જે વાળને પાતળા અને નબળા બનાવે છે.
સ્કેલ્પનું રક્ત પરિભ્રમણ: ઉંમર વધવાની સાથે માથાની ચામડી (Scalp) માં રક્ત પરિભ્રમણ ઓછું થાય છે, જેનાથી વાળના મૂળ સુધી પૂછતું પોષણ પહોંચતું નથી.
પોષક તત્વોની ઉણપ: વય વધવાની સાથે શરીરમાં આયર્ન, વિટામિન D, B12 અને પ્રોટીનનું શોષણ ઘટી જાય છે, જે વાળના ગ્રોથ પર સીધી અસર કરે છે.
ઉંમર વધવા છતાં વાળનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું?
ઉંમરના ફેરફારો કુદરતી છે, પરંતુ યોગ્ય સંભાળથી વાળનો જથ્થો અને મજબૂતી જાળવી શકાય છે. આહારમાં ઈંડા, પ્રોટીન, લીલા શાકભાજી, બદામ અને અળસી જેવા પોષક તત્વો સામેલ કરો. અઠવાડિયામાં બે વાર કોકોનટ કે આમળાના તેલથી સ્કેલ્પ મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.
હીટિંગ અને કેમિકલ પ્રોડક્ટ્સનો બહષ્કાર
વધતી ઉંમરે વાળનો ગ્રોથ અને મજબૂત રાખવા વારંવાર ડાયીંગ અને હીટ ટૂલ્સનો ઉપયોગ મર્યાદિત કરો. 40 થી 50 વર્ષની ઉંમર પછી વાળનો ગ્રોથ ધીમો પડે છે, પરંતુ યોગ્ય કાળજી અને આહારથી વાળને સ્વસ્થ રાખી શકાય છે. સંતુલિત આહાર અને રુટિન કેરથી તમે વધતી ઉંમરે વાળ સિલ્કી, મુલાયમ અને મજબૂત રાખી શકો છો.
આ પણ વાંચો : Shivering During Fever: સામાન્ય તાવમાં શરીર કેમ ધ્રૂજવા લાગે છે? જાણો તેની પાછળની રોચક વૈજ્ઞાનિક પ્રક્રિયા
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )