દરેક યુવતીની સુંદર અને આકર્ષક દેખાવાની ઇચ્છા હોય છે. સુંદરતાને લઈને દુનિયામાં અત્યારે કોરિયન બ્યુટી ટ્રેન્ડીંગમાં છે. ભારતીય લોકોની ત્વચા મિશ્ર ત્વચા છે. જયારે કોરિયન લોકોની ત્વચા સફેદ દૂધ જેવી છે. અને એટલે જ યુવતીઓમાં કોરિયન યુવતીની જેમ સુંદર બનવાનો ક્રેઝ છે. આ માટે તેઓ મોંઘી બ્યુટિ ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ આ ટ્રીટમેન્ટની કયારેક આડ અસર પણ થાય છે.
ચોખાનું પાણી બનશે ઉપયોગી
કોરિયન લોકોની જેમ સુંદર દેખાવા મોંઘી ટ્રીટમેન્ટ નહીં આ ઘરેલુ ઉપચાર વધુ અસરકારક સાબિત થશે. ચોખાનું પાણી ટેન થયેલા ચહેરામાં નિખાર લાવશે. ચોખાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે આ પાણી બનાવવું તે જોઈએ.
ચોખાનું પાણી બનાવવાની રીત
સુંદર ત્વચા મેળવવા ચોખાનું પાણી બનાવવા અડધો કપ ચોખા લો. તેને બે ત્રણ વખત સ્વચ્છ પાણીથી ધોયા બાદ 15થી 20 મિનિટ પલાળી રાખો. પછી આ પાણીને ગાળીને બોટલમાં ભરી લો. બીજી રીતે પણ તમે ચોખાનું પાણી બનાવી શકો છો જેમાં ચોખા ધોયા બાદ તેનું પાણી એક બરણીમાં ભરી એક રૂમમાં સામાન્ય તાપમાનમાં 24-48 કલાક માટે મૂકી રાખો. અને જ્યારે આ પાણીમાંથી ગંધ આવવા લાગે ત્યારે ફ્રિજમાં મૂકી દો. આ પ્રક્રિયાને આથો કહેવાય. આથો આવેલ ચોખાનું આ પાણી ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
ચોખાના પાણીને આ રીતે ચહેરા પર લગાવો
તમે ચોખાના પાણીને કોટન (રૂ)ની મદદથી આખા ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પાણીને તમે એક સ્પ્રે બોટલમાં ભરી દિવસ દરમિયાન તેનાથી ચેહરો સાફ કરતા રહો. આ પાણીમાં તમે મધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને 15 મિનિટ સુધી લગાવો અને પછી તેને ધોઈ લો. સપ્તાહમાં આ પ્રક્રિયા નિયમિત કરવાથી જરૂર તમારી ત્વચા કોરિયન બ્યુટી જેવી સુંદર થશે. આ સાથે તમે પૌષ્ટિક આહારનું પણ સેવન કરશો તો જલદી લાભ મળશે.
ચોખાના પાણીમાં છે પોષકતત્વો
ચોખાનું પાણી એ ચોખા ધોયા પછી કે પલાળ્યા પછી બચેલું સફેદ પાણી છે. તેમાં વિટામિન બી, વિટામિન ઇ, ફેરુલિક એસિડ, એલેન્ટોઇન અને ખનિજો જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. તે ત્વચાને ભેજયુક્ત બનાવે છે, કોલેજનનું ઉત્પાદન વધારે છે અને હાનિકારક મુક્ત રેડિકલ સામે લડીને વૃદ્ધત્વના સંકેતો ઘટાડે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )