આજના સમયમાં નાની ઉંમરે વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ટીનએજ છોકરા અને યુવાન-યુવતીમાં ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગે છે. તેઓ વાળ કાળા કરવા ટ્રીટમેન્ટના બદલે સોશિયલ મીડિયા પર ઘરેલું નુસખાઓ શોધે છે. વિટામિન સપ્લિમેન્ટ્સ અને ઘરેલુ ઉપચાર સફેદ વાળ કાળા કરે છે તે દાવો કેટલો સાચો છે. નિષ્ણાત પાસેથી જાણીએ કે સફેદ વાળ થવા પાછળ શું વિજ્ઞાન છે અને ખરેખર ઘરેલુ ઉપચારથી લાંબા સમય સુધી વાળ કાળા કરી શકાય છે.
સફેદ વાળના ઘરેલુ ઉપચાર પર નિષ્ણાતે જણાવી હકીકત
વહેલા વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની છે. લોકો ઘરેલુ ઉપચાર માટે સોશિયલ મીડિયામાં સર્ચ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર એવા દાવા કરવામાં આવે છે કે કઢી પત્તા કે આમળાનો રસ સફેદ વાળને ફરી કાળા કરી શકે છે. આ દાવાઓને લઈને નિષ્ણાતે સ્પષ્ટતા કરતા કહ્યું કે આવા ઉપચારથી વાળ કાળા થવાના હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. હા, એ શક્ય છે કે ઘરેલું વસ્તુઓ વાળને પોષણ આપી શકે છે. પરંતુ એકવાર સંપૂર્ણ સફેદ થયેલા વાળને તે કુદરતી રીતે ફરી કાળા કરી શકતા નથી.
વાળ સફેદ થવાનું આ છે કારણ
નિષ્ણાતોના મતે, વાળનો રંગ શરીરમાં રહેલા મેલાનિન (Melanin) નામના રંગદ્રવ્ય પર આધાર રાખે છે. મેલાનિન રંગદ્રવ્ય ઘટતા વાળનો કલર બદલાય છે એટલે કે જયારે શરીરમાં મેલાનિનનું ઉત્પાદન ઓછું થાય છે, ત્યારે વાળ સફેદ થવા લાગે છે. આ ઉપરાંત વાળ સફેદ થવાનું કારણ આનુવંશિકતા (Genetics), વિટામિનની ઉણપ, અતિશય માનસિક તણાવ અને કેટલીક બીમારીઓ પણ હોઈ શકે છે.
સફેદ વાળ માટે નિષ્ણાતનું સૂચન
નિષ્ણાતે સૂચન કર્યું કે બજારમાં મળતા હેર કલર કે સીરમ માત્ર થોડા દિવસો માટે વાળ પર રંગનું પડ ચડાવે છે, જે કાયમી ઉકેલ નથી. જોકે સફેદ થયેલા વાળને કાળા કરવા મુશ્કેલ છે, પરંતુ વાળ સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે અથવા ચોક્કસ કિસ્સામાં અટકાવી શકાય છે. સફેદ થતા વાળને રોકવા, તણાવ મુક્તિ, શરીરમાં વિટામિન B12, આયર્ન અને ઝીંકની ઉણપ દૂર કરવી, સ્વસ્થ જીવનશૈલી એટલે કે પૌષ્ટિક આહાર લેવો અને ખોટી આદત છોડવા જેવા અસરકારક ઉપાયો કરી શકાય. સફેદ વાળને કાળા કરવા માટેના ભ્રામક દાવાઓમાં પડવાને બદલે સ્વસ્થ જીવનશૈલી જ શ્રેષ્ઠ ઉપાય છે.
આ પણ વાંચો : Homemade Night Cream: મોંઘી બ્રાન્ડ્સ જેવી ચમક હવે ઘરે બેઠા મેળવો, રસોડામાં રહેલી 4 વસ્તુઓથી બનાવો નાઇટક્રીમ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )