ઉનાળામાં કેરીના રસની સામે શાકભાજીનો સ્વાદ ફીક્કો પડી જાય છે. જો કે દિવસ અને રાત આપણે કેરીના રસનું સેવન કરી શકતા નથી. આરોગ્ય તંદુરસ્ત રાખવા શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. ગરમીમાં સામાન્ય રીતે ભીંડા, પરવર, બટાકા, ગવાર, દૂધી અને ચોળી જેવા શાકભાજી બજારમા મળે છે. આ શાકભાજીમાંથી બહુ ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હશે. પરંતુ દૂધી પણ આરોગ્ય માટે ગુણકારી છે. એટલે જો પરિવારના સભ્યોને તમે દૂધીનું શાક ખવડાવવા માગતા હોય તો આ વાનગી જરૂર તેમના સ્વાદનો આનંદ બમણો કરશે. આજના આ લેખમાં તમને દૂધના કોફતા બનાવવાની સરળ રીત જણાવીશું જે હોટલમાં મળતી વાનગીઓને પણ ટક્કર આપશે.


દૂધી કોફ્તા માટે સામગ્રી:

1&1/2 કપ છીણેલી દૂધી, 5 ટેબલસ્પૂન બેસન (ચણા નો લોટ), ,2 ટેબલસ્પૂન ચોખા નો લોટ, 1/4 ટીસ્પૂન હળદર, 1 લીલું મરચું, બારીક સમારેલું, 1/2 ટેબલસ્પૂન આદું-લસણ ની પેસ્ટ, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી ડુંગળી, તળવા માટે તેલ અને મીઠું, સ્વાદ પ્રમાણે

કોફાતાની ગ્રેવી માટે સામગ્રી:

2 મધ્યમ ટામેટાં, 2 ટેબલસ્પૂન કાજુ, 20 મિનિટ માટે પાણીમાં પલાળી દો, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ, 2 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી, 1 ટીસ્પૂન ધાણાજીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 કપ ઘટ્ટદહીં (ખાટુ નહીં), 3/4 કપ પાણી, 2 ટેબલસ્પૂન તેલ અને મીઠું, સ્વાદ પ્રમાણે

દૂધી કોફ્તા બનાવવાની રીત :

1) દૂધીના કોફતા બનાવવા સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારી તેને છીણી લો. ત્યારપછી આ છીણેલી દૂધીને બરાબર નિચોવો જેથી કરીલને તેમાંથી વધારાનું પાણી નીકળી જાય. આ પાણી એક બાઉલમાં કાઢવું જેથી કરીને તેને પાછળથી શાકમાં લઈ શકીએ. મોટા બાઉલમાં દૂધીનું પાણી કાઢી લીધા બાદ તરત જ તેમાં બેસન (ચણાનો લોટ), ચોખાનો લોટ નાખી મસળી લેવું. જેથી દૂધી કાળી ના પડે.

2) દૂધીને ચણાના લોટમાં બરાબર મસળી તેમાં હળદર, આદું-લસણની પેસ્ટ, બારીક સમારેલું લીલું મરચું, બારીક સમારેલી ડુંગળી અને જરૂરિયાત મુજબનું મીઠું નાખી બધી સામગ્રી બરાબર મિક્ષ કરી હથેલીમાં તેલ લગાવી તેના નાના ગોળા કરો. જો આ મિશ્રણ વધારે ઢીલું લાગે તો તમે વધુ 1-2 ટીસ્પૂન બેસન (ચણાનો લોટ) નાખી શકો છો. (યાદ રાખો કે આ મિશ્રણ નાખ્યા બાદ તરત જ તેના ગોળા વાળી દેવા નહીતર દૂધીમાંથી નીકળતા પાણીના કારણે મિશ્રણ ઢીલું થઈ જશે.) આ ગોળા એટલે કે દૂધીના કોફતા બની ગયા બાદ તેને ફ્રાઇંગ પેન અથવા કઢાઈમાં તેલ મૂકી મધ્યમ તાપે તળી લો. જેથી કરીને તે અંદરથી કાચા ના રહે.

3) તમામ કોફતા ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. કોફતા થઈ ગયા બાદ હવે ગ્રેવી તૈયાર કરીએ. ગ્રેવી બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં તેલ મૂકો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી 30-40 સેકંડ માટે સાંતળો. ત્યારપછી પલાળેલા કાજુની પ્યોરી ઉમેરીને તેને 3-4 મિનિટ માટે સાંતળો. આમ કર્યા પછી ડુંગળી અને ટામેટાની ગ્રેવી આ મિશ્રણમાં ઉમેરો. (તમે ડુંગળી અને ટામેટાને ઝીણી સમારીને અથવા મિક્સરમાં ક્રશ કરી ઉપયોગમાં લઈ શકો છો.)

4) અને પછી આ મિશ્રણમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખો. આ મસાલા કર્યા બાદ પેનને ઢાંકી દો. થોડીવાર આમ કરવાથી મસાલા એકરસ થશે. મસાલા એકરસ થયા બાદ તેમાં ઘટ્ટ દહીં નાખોં અને મિક્ષ કરી એક બે મિનિટ ચઢવા દો. પછી તેમાં તૈયાર કરેલા દૂધીના કોફતાના ગોળા ઉમેરો. આમ કર્યા પછી કોફતા અને ગ્રેવીના મિક્ષણને બરાબર મિક્ષ કરો અને 5-6 મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ચઢવા દો. ત્યારપછી ગેસને બંધ કરી દો અને તેને એક પીરસવાના બાઉલમાં કાઢીને કોથમીર નાખી સજાવો.

  • Follow us on: