ચોમાસાની ઋતુ હોમ ગાર્ડનિંગ (ઘરના આંગણે કે અગાશીમાં છોડ ઉગાડવા) ના શોખીનો માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. વરસાદનું પાણી કુદરતી અમૃત સમાન છે, જે છોડના વિકાસને બમણી ઝડપ આપે છે. જો તમે પણ આ ચોમાસામાં તમારા ઘરના કુંડા, ક્યારી કે ટેરેસ ગાર્ડનમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માંગો છો, તો અહીં એવી 9 શાકભાજીની યાદી આપવામાં આવી છે જે આ દિવસોમાં ખૂબ જ ઝડપથી ઉગે છે અને તમને ઘરમાં જ ફ્રેશ શાકભાજી ખાવા મળી શકે છે.


ભીંડા 

ચોમાસાના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ભીંડાનો છોડ ખૂબ જ ઝડપથી વધે છે. તેના બીજ વાવ્યાના થોડા જ દિવસોમાં અંકુરિત થઈ જાય છે અને બે મહિનાની અંદર પાક આપવાનું શરૂ કરી દે છે.

દૂધી

દૂધી એક વેલો હોવાથી ચોમાસામાં તેને પૂરતું પાણી મળતા તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. કુંડા કે જમીનમાં તેનો વેલો લગાવી તેને યોગ્ય સપોર્ટ (માંડવો) આપવાથી પુષ્કળ પ્રમાણમાં દૂધી ઉતરે છે.

કારેલા

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ચોમાસા દરમિયાન કારેલાના વેલાનો ગ્રોથ અદભુત હોય છે. તેના બીજ સરળતાથી બજારમાં મળી રહે છે અને વરસાદમાં તેની માવજત પણ ઓછી કરવી પડે છે.

ગલકા અને તુરીયા 

આ બંને શાકભાજી પણ વેલા સ્વરૂપે ઉગે છે. ચોમાસાની ઋતુ આ પાક માટે આદર્શ ગણાય છે. જો કુંડામાં વાવતા હોવ તો મોટું કુંડું પસંદ કરવું જેથી મૂળ સારી રીતે ફેલાઈ શકે.

ટામેટા 

ટામેટાના છોડ તમે નાના કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો. પહેલા નાના વાસણમાં તેના બીજ નાખીને ધરૂ (છોડવા) તૈયાર કરી લો અને પછી તેને મોટા કુંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરો. વરસાદના દિવસોમાં ટામેટા ખૂબ જ ઝડપથી પાકે છે.

મરચાં

તીખા લીલા મરચાંનો છોડ દરેક ઘરમાં હોવો જ જોઈએ. ચોમાસામાં મરચાંના છોડમાં ખૂબ જ ઝડપથી ફૂલ અને મરચાં બેસવાનું શરૂ થઈ જાય છે.

પાલક અને ફુદીનો

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક અને ફુદીનો બેસ્ટ ઓપ્શન છે. પાલકના બીજ કુંડામાં નાખ્યાના અઠવાડિયામાં જ ઉગી નીકળે છે. ફુદીનાને તો તમે બજારમાંથી લાવેલા ફુદીનાની ડાળખી કાપીને પણ સરળતાથી ઉગાડી શકો છો.

કાકડી 

વરસાદની ઋતુમાં કાકડીનો વેલો પણ ખૂબ જ ઝડપથી વધે છે. તેના માટે કુંડામાં સારી ગુણવત્તાવાળી માટી અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો.

 ગવાર 

ગવારના છોડને ઉગવા માટે બહુ વધારે મહેનતની જરૂર પડતી નથી. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ગવારની સિંગો ખૂબ જ ઝડપથી અને મોટી સંખ્યામાં બેસે છે.


ગાર્ડનિંગ કરતી વખતે આટલું ધ્યાન રાખો

ચોમાસામાં છોડ ઉગાડતી વખતે કુંડામાં વોટર ડ્રેનેજ (પાણી નિકાલની વ્યવસ્થા) ઉત્તમ હોવી જોઈએ, જેથી કુંડામાં પાણી ભરાઈ ન રહે અને મૂળ સડી ન જાય. છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ જ રાખો.

  • Follow us on: