ગુજરાતમાં ચોમાસાનો મિજાજ વધુ તીવ્ર બન્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
ગલતેશ્વર અને આસપાસના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
આજના વરસાદી આંકડામાં ખેડા જિલ્લાનું ગલતેશ્વર મોખરે રહ્યું છે, જ્યાં વહેલી સવારના 4 કલાકમાં જ આભ ફાટ્યું હોય તેમ 3 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ઝીંકાયો છે. ધોધમાર વરસાદના કારણે ગલતેશ્વર અને આસપાસના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં કાલોલ અને મુખ્ય મથક ગોધરા બંને જગ્યાએ અઢી-અઢી (૨.૫) ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.













