લાંબા વીકએન્ડ આવતાં જ ભારત જેવા દેશોના મહાનગરોમાં ટ્રાફિક અને ઓફિસ કામનો તણાવ જોવા મળે છે, પરંતુ વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં રજા લેવી એ કોઈ ગુનો કે અપરાધભાવ નથી, પરંતુ એક આદરણીય રાષ્ટ્રીય પરંપરા અને માનસિક આરામનો સાચો સ્વેગ માનવામાં આવે છે. આ દેશ છે જર્મની. જર્મનીના ઉત્તમ 'વર્ક-લાઇફ બેલેન્સ' અને સામાજિક સંસ્કૃતિએ તેને વિશ્વનો ગ્લોબલ ટ્રાવેલ ચેમ્પિયન બનાવ્યો છે. રાહુલ સાંકૃત્યાયનના ભ્રમણશીલતાના સિદ્ધાંતને જર્મનોએ પોતાની જીવનશૈલી બનાવી દીધી છે.

10 કરોડથી વધુ લોકો કરે છે પ્રવાસ

યુએન ટુરિઝમના આંકડા મુજબ, આશરે 8.4 કરોડની વસ્તી ધરાવતો આ દેશ વાર્ષિક 10 કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરે છે. એટલે કે દેશની કુલ વસ્તી કરતાં પણ વધુ લોકો દર વર્ષે રજાઓ ગાળવા વિદેશ જાય છે. જર્મન પ્રવાસીઓ વાર્ષિક 138 અબજ યુએસ ડોલરથી વધુનો ખર્ચ પ્રવાસન પર કરે છે, જેના કારણે જર્મની વિશ્વભરમાં આઉટબાઉન્ડ ટુરિઝમ ખર્ચમાં ચીન અને અમેરિકા સાથે ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે.

રજાઓ આપવી બોજ નથી માનતા

જર્મનીના આ પ્રવાસ પ્રેમ પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે. પ્રથમ, દેશના કડક શ્રમ કાયદા હેઠળ દરેક કર્મચારીને વાર્ષિક ૨૫ થી ૩૦ દિવસની પેઇડ રજા (જેને જર્મનમાં 'Urlaub' કહે છે) મળે છે. સરકારી રજાઓ ઉમેરતાં તેમને દર વર્ષે 5 થી 6 અઠવાડિયા મુસાફરી માટે મળે છે. બીજું, બાળકોને નાનપણથી જ નવા સ્થળો, પ્રકૃતિ અને વિવિધ સંસ્કૃતિઓને સમજવાની તાલીમ આપવામાં આવે છે. ત્રીજું, જર્મન નાગરિકો 6 મહિનાથી 1 વર્ષ અગાઉથી પોતાના વેકેશનનું આયોજન, મજબૂત બજેટિંગ અને શક્તિશાળી પાસપોર્ટના આધારે કરે છે.

રજાને માનવામાં આવે છે સાંસ્કૃતિક કલ્ચર

જર્મન પ્રવાસીઓ માટે સ્પેનનો મેલોર્કા ટાપુ એટલો પ્રિય છે કે તેને મજાકમાં જર્મનીનું "17મું રાજ્ય" કહેવામાં આવે છે. આ સિવાય ઇટાલી, ગ્રીસ, ફ્રાન્સ, તુર્કી, થાઇલેન્ડ અને યુએઇ તેમના મનપસંદ સ્થળો છે. તેઓ માત્ર દરિયાકિનારે આરામ કરવા નથી જતા, પરંતુ ઐતિહાસિક વારસો, કલા અને હાઇકિંગનો પણ આનંદ લે છે.

પ્રવાસ માટે કરી રહ્યા છે 30 અબજથી પણ વધુ ખર્ચ

બીજી તરફ, ભારતમાં પણ હવે પ્રવાસન સંસ્કૃતિ ઝડપથી વિકસી રહી છે. ભારતીયો દર વર્ષે 3 કરોડથી વધુ વિદેશી પ્રવાસો કરી રહ્યા છે અને $30 અબજથી વધુ ખર્ચ કરી રહ્યા છે. પરંતુ જર્મનીએ સાબિત કર્યું છે કે રજાઓ ગાળવી અને મુસાફરી કરવી એ માત્ર વૈભવ નથી, પણ માનસિક સ્વાસ્થ્ય અને જીવવાની ઉત્તમ કળા છે.

આ પણ વાંચોઃ Yemen માં સાઉદી અરેબિયાનો ભયાનક હવાઇ હુમલો,33ના મોત અને 39થી વધુ ઘાયલ